Weather: હજુ તો માર્ચ શરૂ થયો છે ને ગરમીનો પારો આટલો ચડી ગયો
અમદાવાદ: ગુજરાતમા આ વર્ષે શિયાળાનો અનુભવ લગભગ થયો નથી તેમ કહીએ તો પણ ખોટું નથી. ચાર મહિનામાં પંદરેક દિવસ બાદ કરીએ તો સ્વેટર, મફલર કે ધાબડાની જરૂર જ નથી પડી. ત્યારે હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે.
સમાન્ય રીતે ગુજરાતમાં માર્ચ માહિનામાં મહત્તમ તાપમાન 34થી 36 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે . પરંતુ આ વર્ષે માર્ચ માહિનામાં જ ગરમીનો પારો 38 ડિગ્રી સુધી જવાની હવામાન વિભાગની આગાહી છે, જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે ત્યારે ,આ વખતે માર્ચની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 4થી 7 માર્ચ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ઠંડીની એક લહેર આવી શકે છે,તેમજ આ સમય દરમિયાનમાં ઠંડીનો પારો 12 થી 13 ડિગ્રી સુધી નીચો આવવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગે માર્ચ માહિનામાં આકરી ગરમીના એંધાણ આપ્યા છે, 15 માર્ચ પછીના દિવસોમાં શહેરમાં ગરમીમાં વધારો થઈ શકે છે, માર્ચ મહિનાના પ્રથમ 15 દિવસોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે જ્યારે બીજા 15 દિવસો દરમિયાન ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે. ઉનાળા દરમિયાન દર વર્ષે 10 થી 15 હિટવેવ આવે તેવી સંભાવના છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનામાં હિટવેવની શક્યતાઓ નથી એપ્રિલ કે મે મહિનામાં હિટવેવ 6થી 12 દિવસ રહેવાની શક્યતા છે.
સમાન્ય રીતે ઉનાળામાં હિટવેવ 10થી 15 દિવસ આવતી હોય છે, પરંતુ આ વર્ષે હિટવેવની પણ સંખ્યા વધી છે . જેને કારણે આ ઉનાળો વધુ ગરમ હોવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે શનિવાર અને રવિવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહેવા સાથે માવઠાની પણ શક્યતા છે. આ બે દિવસ દરમિયાન શહેરમાં છાટાંથી માંડીને હળવો વરસાદ પાડવાની પણ આગાહી દર્શાવવામાં આવી છે.