રાજ્યમાં શિયાળો જામ્યો, ગાંધીનગરમાં નોંધાયું માત્ર આટલું તાપમાન

અમદાવાદઃ રાજ્યમાં શિયાળો ધીમે ધીમે જમાવટ કરી રહ્યો છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાના કારણે ઠંડી વધી છે. આગામી દિવસોમાં હજુ પણ ઠંડી વધશે. રાજ્યમાં ગાંધીનગરમાં સૌથી નીચું તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય અમદાવાદમાં 15.2 ડિગ્રી, વડોદરામાં 15.2 ડિગ્રી, રાજકોટમાં 14.8 ડિગ્રી, કેશોદમાં 15.8 ડિગ્રી, મહુવામાં 14.5 ડિગ્રી, ડીસામાં 16.1 ડિગ્રી, પોરબંદરમાં 16.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.5 ડિગ્રી, ભુજમાં17.8 ડિગ્રી, કંડલામાં 18.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે શું કહ્યું
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. હાલ લઘુત્તમ તાપમાનમાં વધુ ફેરફાર નહી થાય. પવનની દિશાના કારણે સવારે અને રાત્રે ઠંડી તો દિવસમાં ગરમીનો અનુભવ થશે.
આ પણ વાંચો: ગોદડા-સ્વેટર કાઢી રાખોઃ અમદાવાદમાં છેલ્લા દસકાનો રેકોર્ડ તૂટ્યો, નવેમ્બરની સૌથી ઠંડી શરૂઆત
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, હાલ સવારમાં ઠંડા પવનો ફૂંકાશે. 14 તારીખ બાદ લઘુત્તમ તાપમાન વધશે. મહત્તમ તાપમાન 30-31 ડિગ્રી રહેશે. 24 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે. તેની અસર દક્ષિણ પૂર્વિય તટો અને દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહેશે દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં ક્યારથી પડશે આકરી ઠંડી
આ ઉપરાંત અંબાલાલ પટેલે કહ્યું, ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે એટલે હવે ધીરે ધીરે ઠંડી શરૂઆત થશે. 22મી ડિસેમ્બરથી આકરી ઠંડી ગુજરાતમાં પડશે. ડિસેમ્બરમાં માવઠું થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં મધ્ય અને ઉત્તરના કેટલાક ભાગોમાં અને ગુજરાતના છુટા છવાયા ભાગોમાં થવાની શક્યતા છે.



