ચોક્કસ રંગના સ્વેટર પહેરવાં દબાણ કરનારી શાળાઓને શિક્ષણ મંત્રીની ચેતવણી…

ગાંધીનગર: શિયાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે શાળાએ જતાં બાળકોને શાળા સંચાલકો દ્વારા કોઇ ખાસ જ રંગનું સ્વેટર પહેરવા માટે દબાણ કરવામાં નહિ આવે તેવી કડક ચેતવણી રાજ્યનાં શિક્ષણ પ્રધાને આપી દીધી છે. પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોકકસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહિ.
આ પણ વાંચો : અમદાવાદમાં રિનોવેશન યા નવું મકાન બનાવતા પૂર્વે જાણી લો નવા નિયમ, ફાયદામાં રહેશો!
રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનશેરીયાએ જણાવ્યું કે, રાજ્યમાં ઠંડીના કારણે કોઈ પણ બાળકનું મૃત્યુ ન થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે. જેના અનુસંધાને તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું, નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું અથવા તો ઠંડી ન રોકી શકે તેવું સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહિ, જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે.
તેમણે જણાવ્યું છે કે કોઈ પણ શાળા બાળકોને તેમના દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરવા મજબુર કરી શકશે નહિ, તેમજ વાલીઓને અપીલ કરી કે, કોઈ પણ બાળકને, તેના માતા પિતા ઠંડી માટે તેમના જોડે ઉપલબ્ધ ઠંડી રક્ષણાત્મક સ્વેટર, ટોપી, હાથના મોજા પહેરાવી શકશે અને કોઈ પણ ખાનગી શાળા અને અન્ય શાળા તેમાં કોઈ પણ રોક ટોક કરી શકશે નહિ.
આ પણ વાંચો : આસારામે આજીવન કેદની સજા રદ કરવા કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે માંગ્યો જવાબ…
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કચેરી(રૂરલડીઈઓ) એ પણ પોતાના તાબા હેઠળ આવતી ધો.9-12ની સ્કૂલોને વિદ્યાર્થીઓને ખાસ રંગના ગરમ કપડાં પહેરવાનું દબાણ ન કરવાનો આદેશ આપ્યો છે. રૂરલ ડીઈઓએ પોતાના તાબાની સ્કૂલોને કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, ખાસ રંગના ગરમ કપડાં પહેરવાનું દબાણ કરતી સ્કૂલો સામે નિયમાનુસાર કડક શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.