Gujarat માં વધી શીત લહેરની અસર, હવામાન વિભાગે કરી આ આગાહી

અમદાવાદ : દેશના પહાડી વિસ્તારોમાં થઇ રહેલી હિમ વર્ષા અને ફૂંકાતા ઠંડા પવનોના લીધે ગુજરાતના(Gujarat) શીત લહેરની અસર વધી રહી છે. જેમાં છેલ્લા અઠવાડિયામાં રાજ્યના લધુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેમજ ઠંડા પવન ફૂંકાતા કાતિલ ઠંડીની અસર પણ વર્તાઇ રહી છે. જેમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારે નલિયા બાદ હવે ડીસામાં પણ ઠંડીનો પારો 8 ડિગ્રી નજીક પહોંચ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આજે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી છે.
આજે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી
ગુજરાતમાં ઠંડીનો પારો સતત નીચે ગગડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. જેના પગલે કચ્છમાં લધુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. તેમજ પવનની ગતિ વધતાં શીત લહેરની વ્યાપક અસર જોવા મળશે.
Also Read – 3 દિવસના આયોજન સાથે શરૂ થયેલી ‘રણોત્સવ’ આજે ગ્લોબલ ઇવેન્ટ બનીઃ મુખ્યપ્રધાન…
શહેરોમાં ઠંડીનો પ્રભાવ વધુ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, 8 શહેરોમાં સરેરાશ 12 ડિગ્રી સે.નું તાપમાન નોંધાયું છે. જેમાં અમદાવાદમાં 13.5 ડિગ્રી, દાહોદમાં 8.2 ડિગ્રી, નલિયામાં 6.2 ડિગ્રી અને ડીસામાં 8.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તાપમાનના ઘટાડાને કારણે શહેરોમાં ઠંડીનો પ્રભાવ વધુ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં લધુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે
અમદાવાદમાં 13 ડિગ્રીની આસપાસ તાપમાન યથાવત રહ્યું છે. રવિવારે અમદાવાદ શહેરમાં 13.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસમાં અમદાવાદમાં લધુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે.