દિવાળીની સાથે શિયાળાનો માહોલ: મહુવા ૧૮° સાથે ઠંડુંગાર, ભાવનગર, દીવમાં તાપમાન ૨૦° સે. સુધી ગગડ્યું…

અમદાવાદ: દિવાળી નજીક આવી રહી છે તેમ તેની સાથે જ રાજ્યમાં ઠંડીએ પણ દસ્તક દઈ દીધી છે. રાજ્યના અમુક ભાગોમાં દિવસે ઓક્ટોબર હિટનો અનુભવ થઇ રહ્યો છે પરંતુ ધીમે ધીમે શીયાળા ઢબનું હવામાન બનતું દેખાઈ રહ્યું છે. હાલ તો તળ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં દિવસનું તાપમાન સામાન્યથી ઓછું નોંધાયું છે, જ્યારે રાત્રિના તાપમાનમાં પણ સામાન્ય કરતાં ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે વહેલી સવારે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.
મુખ્ય તાપમાનની વિગતો
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ મહત્તમ તાપમાન ૩૫° સેલ્સિયસ ડીસા ખાતે નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન 18° સેલ્સિયસ મહુવા ખાતે નોંધાયું હતું. રાજકોટમાં મહત્તમ 34° સે. અને ન્યૂનતમ 19° સે., વડોદરામાં મહત્તમ 33° સે. અને ન્યૂનતમ 20° સે., અમદાવાદમાં મહત્તમ 34° સે. અને ન્યૂનતમ ૨૧° સે. તેમજ ભુજ અને સુરતમાં મહત્તમ 34° સે. અને ન્યૂનતમ 22° સે. તાપમાન નોંધાયું હતું.
આ દરમિયાન સુરેન્દ્રનગર, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગરમાં રાત્રિના સમયે તાપમાનનો પારો 21° સે. નોંધાયો હતો, જ્યારે ઇડર, ભાવનગર, દીવ, નલિયામાં રાત્રિના સમયે તાપમાનનો પારો 20° સે. સુધી ગગડ્યો હતો.
તાપમાનની સ્થિતિ
કચ્છમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચું રહ્યું હતું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં રાત્રિનું તાપમાન પણ સામાન્ય કરતાં નીચું નોંધાયું હતું. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મુખ્યત્વે આકાશ સ્વચ્છ રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન ૩૪° સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન ૨૦° સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. જો કે દિવાળી સુધીમાં મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું અને સ્થિર રહેશે.