Gujarat ને ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ ક્ષેત્રમાં સેનિટેશન એવોર્ડ 2024 એનાયત…
નવી દિલ્હી : ગુજરાતને(Gujarat)ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે દિલ્હી ખાતે ‘ISC-FICCI’ સેનિટેશન એવોર્ડ-2024″ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દેશના સેનીટેશન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા વ્યક્તિઓ અને સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા માટે કુલ 11 કેટેગરીમાં ‘ISC-FICCI સેનિટેશન એવોર્ડ-2024’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આજે FICCI ફેડરેશન હાઉસ દિલ્હી ખાતે આયોજિત ISC-FICCI સેનિટેશન એવોર્ડની 8મી આવૃત્તિમાં ઇનોવેશન અને ઈમ્પેક્ટફુલ સોલ્યૂશનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Rajyasabha Bypolls:ચાર રાજયની ખાલી છ રાજ્યસભા બેઠક પર 20 ડિસેમ્બરના રોજ પેટા-ચૂંટણીની જાહેરાત
અલગ-અલગ 4 કેટેગરીમાં નામાંકન કરવામાં આવ્યું હતું
આ અંગે વિગતો આપતા ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર તરફથી ગ્રામ વિકાસ કમિશનર કચેરી દ્વારા ISC-FICCI સેનિટેશન એવોર્ડની 8મી આવૃત્તિમાં અલગ-અલગ 4 કેટેગરીમાં નામાંકન કરવામાં આવ્યું હતું. સમગ્ર મૂલ્યાંકન બાદ એવોર્ડ કમિટી દ્વારા સરકાર માટે ખાસ સન્માન કેટગરી હેઠળ ગુજરાતના ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટની પસંદગી કરી હતી અને રાજ્ય સરકારને આ કેટેગરી હેઠળ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
80 ગામમાં સેન્ટ્રલાઇઝ ગ્રે વોટર મેનેજમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યા
ગ્રામ વિકાસ મંત્રીએ ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ અંગે કહ્યું હતું કે, બનાસકાંઠાના વેડંચા ગામમાં બનાવેલા પ્રોજેક્ટ મોડલના આધારે ગુજરાતના 80 ગામમાં સેન્ટ્રલાઇઝ ગ્રે વોટર મેનેજમેન્ટ પ્લાન્ટ બનાવવમાં આવ્યા છે. આ ગામોમાં ઉત્પન્ન થતા ગ્રે વોટરને વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસ કરીને તે પાણીનો ખેતીમાં પુનઃઉપયોગ કરવામાં આવે છે. જે ઓર્ગેનિક ખેતીને પણ પ્રોત્સાહન આપે છે.
આ પણ વાંચો : ગાંધીનગરના જુના સચિવાલયમાં લાગી આગ, દસ્તાવેજો અને કમ્પ્યુટર્સ બળીને ખાખ
આ ઉપરાંત ગોબરધન યોજના હેઠળ ઘન કચરા વ્યવસ્થાપન માટે પણ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 7411 બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પ્લાન્ટમાં ગાયના છાણમાંથી બાયોગેસ પેદા કરવામાં આવે છે, જે સ્વચ્છ ઊર્જા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહિત કરે છે.