હજુ 6 દિવસ ગુજરાતમાં પડશે સાર્વત્રિક વરસાદ: દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ: હાલ રાજ્યનાં અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આ જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી બે દિવસ સુધી સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે.
આ પણ વાંચો: અમરેલીના રાજુલામાં વરસાદથી તૂટેલો પુલ 24 કલાકમાં શરૂ કર્યો
21મી જૂનના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 મી જૂનના રોજ સમગ્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રદેશવાર આગાહીની વાત કરીએ તો, ઉત્તર ગુજરાત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે.
તે સિવાય દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં મોટાભાગના સ્થળોએ હળવાથી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ધોધમાર વરસાદ: દક્ષિણ ગુજરાત અને ગીર સોમનાથ માટે ‘રેડ એલર્ટ’ જાહેર
હાલ સમગ્ર સૌરાષ્ટ્રને મેઘરાજાએ બાનમાં લીધું છે, ત્યારે આગામી દિવસોમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજકોટ અને બોટાદમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. તે ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
વીજળી અને પવન સાથે વરસાદ
રાજ્યના તમામ જિલ્લાઓમાં, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે, ત્યાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સપાટી પર પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના છે. નાગરિકોને વરસાદ દરમિયાન સાવચેત રહેવા અને હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.