Gujarat માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાથી હવામાન પલટાશે, માવઠાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે આ મહિનાના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત્ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ, 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે. પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઇને વાદળછાયું બની શકે છે. આ દરમિયાન 29 માર્ચથી 1 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે 10 મિમી સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે.
તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા
હવામાન વિભાગ મુજબ, 25 માર્ચ સુધીમાં રાજ્યના મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જ્યારે લઘુતમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 26 માર્ચથી દિવસ-રાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
અમદાવાદ તથા આસપાસના વિસ્તારમાં વાતાવરણ શુષ્ક
રાજકોટ તથા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ઉપરાંત કચ્છના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પહોંચી શકે છે. આ ઉપરાંત અમદાવાદ તથા આસપાસના વિસ્તારમાં વાતાવરણ શુષ્ક રહેવાની સાથે મહત્તમ તાપમાન 39થી 40 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતાઓ છે. લૂના કારણે રાજ્યમાં મૃત્યુઆંક વધવાની આશંકા છે