છેલ્લા 23 વર્ષથી યોજાતા ગરીબ કલ્યાણ મેળા છ્તા ગુજરાતમાં ગરીબો ઘટતા નથી ? રાજ્ય સરકારનો વધુ એક મેળો સપ્ટેમ્બરમાં

રાજ્યના ગરીબ વર્ગો અને અંતરિયાળ વિસ્તારોના વંચિત લોકો સુધી સરકારની કલ્યાણ યોજનાઓના લાભ હાથોહાથ પહોંચાડતા ગરીબ કલ્યાણ મેળાની 14મી કડી આગામી સપ્ટેમ્બર-2024માં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય સાકાર કરવા દરેક જિલ્લામાં એક-એક એમ કુલ 33 ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન રાજ્ય સરકાર દ્વારા થવાનું છે.લોકોના કલ્યાણ અને વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી લોકહિતકારી યોજનાઓના લાભો લાભાર્થીઓને સુપેરે અને સરળતાથી મળી રહે તેવો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો અભિગમ છે. આ હેતુસર તેમણે 100 ટકા લાભાર્થી સુધી યોજનાકીય લાભો પહોંચાડવાનો સેચ્યુરેશનનો નવો વિચાર પણ આપ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ગરીબ, વંચિત, તેમ જ દૂર-દરાજના અંતરિયાળ વિસ્તારના લોકો સુધી વ્યક્તિગત અને સમુહ યોજના લક્ષી લાભ સીધા જ હાથોહાથ પહોંચાડવા તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં 2009થી ગરીબ કલ્યાણ મેળાનો ઉપક્રમ શરૂ કરાવ્યો છે.
આ પણ વાંચો : જુનાગઢની થશે કાયાપલટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ
2009થી શરૂ થયેલી ગરીબ કલ્યાણ હિતલક્ષી પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગળ ધપાવી છે. તેમણે આગામી સપ્ટેમ્બર-2024માં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી અંદાજે 90 હજારથી વધુ લાભાર્થીઓને 125 કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત સાધનસહાય કીટ્સનું પ્રત્યક્ષ વિતરણ કરવા સંબંધિત વિભાગોને પ્રેરિત કર્યા છે.

આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આ મેળાના સ્થળે જ જરૂરતમંદ લોકોને મળી રહે તે માટે વિવિધ વિભાગોના સ્ટોલ્સ ઊભા કરવાનું પણ સૂચન કર્યું છે.
ગરીબ કલ્યાણ મેળાની જે 13 કડી અત્યાર સુધીમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, તેમાં 1604 આવા મેળાઓ દ્વારા 36,800.90 કરોડ રૂપિયાની સહાય 1.66 કરોડ લાભાર્થીઓને પહોંચાડવામાં આવી છે.
આ ગરીબ કલ્યાણ મેળામાં વ્યક્તિલક્ષી યોજનાઓ, માનવ ગરીમા યોજના, કુંવરબાઇનું મામેરૂ, ડો. આંબેડકર આવાસ યોજના, વિદેશ અભ્યાસ લોન યોજના, પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના, વન સંરક્ષણ અને વિકાસની યોજના, નિર્ધુમ ચૂલા, વૃક્ષ ખેતી યોજના, વિકેંદ્રિત પ્રજા નર્સરી, વ્યક્તિગત આવાસ યોજના, વ્હાલી દીકરી યોજના, ખેતીવાડી યોજના, પશુપાલન વિભાગની યોજના, બાગાયત વિભાગની યોજના, માનવ ક્લ્યાણ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મા અમૃતમ યોજના, મિશન મંગલમ યોજના વગેરેના લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે.
આવા ગરીબ કલ્યાણ મેળા યોજાવાના પરિણામે વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા જિલ્લા કક્ષાએ કરવા સુદ્દઢ વ્યવસ્થા ઊભી થઇ છે. આવી સઘન સમીક્ષા પ્રક્રિયાના કારણે જિલ્લાના જે આંતરિયાળ વિસ્તારો લાભોથી વંચિત રહી જતા હોય તે વિસ્તારો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે.
વ્યક્તિલક્ષી યોજનાઓનો લાભ સીધેસીધો પ્રત્યક્ષ લાભાર્થી સુધી પહોંચતો હોવાથી લાભ યોગ્ય લાભાર્થીને જ પહોંચે છે તે પણ સુનિશ્વિત થાય છે અને પારદર્શિતા જળવાય છે.
ગરીબ કલ્યાણ મેળા દરમ્યાન લાભાર્થીઓ, અન્ય લાભાર્થીઓ તથા અમલીકરણ કચેરીઓ સાથે સંપર્કમાં આવવાના કારણે તેમને અન્ય યોજનાઓની પણ જાણકારી ઘરઆંગણે મળતી થઈ છે.
લાભાર્થીને કચેરીના બિનજરૂરી ધક્કા ખાવા નથી પડતા તેમ જ તેમના નાણાં અને સમયનો વ્યય અટકે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી સપ્ટેમ્બરમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓ સફળ બનાવવા માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગોએ પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે.