Gujarat Weather: આજથી ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં વધારો થતાં ઠંડીનો ચમકારો ઓછો થયો હતો. જ્યારે હવે ફરીથી ઠંડી વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા હતા. બીજી તરફની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે રાજ્યમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા તાપમાન વધ્યું હતું, ગતરોજ નલિયામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પરંતુ હવે તેની અસર પૂર્ણ થતા અને પવનની દિશા પણ બદલાવવાની સંભાવનાને પગલે તાપમાનમાં ઘટાડાની શક્યતા દર્શાવામાં આવી છે.
હવામાન વિભાગે આ અંગે આગાહી કરતા જણાવ્યું કે આજથી પવનની દિશા બદલાઈને ઉત્તર તરફ થવાની સંભાવના છે. પવનોને કારણે ગુજરાતનું તાપમાન પણ ઘટશે અને ઠંડીનો ચમકારો અનુભવાશે. બુધવારે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું હતું. આ ઉપરાંત ગાંધીનગરમાં 13 ડિગ્રી, રાજકોટમાં 14 ડિગ્રી, અમદાવાદમાં 15 ડિગ્રી, વડોદરામાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તો સુરતમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતુ.
Also read: ભારે ઠંડીને કારણે મહાકુંભમાં એક સંતનું નિધનઃ ઓપીડીમાં પણ ઊભરાઈ છે દરદીઓની ભીડ
હવામાન વિભાગ મુજબ, અત્યાર સુધી ગુજરાતમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા હતા. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે રાજ્યમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા તાપમાન વધ્યું હતું, પરંતુ હવે અસરો પૂર્ણ થતા અને પવનની દિશા પણ બદલાવવાની સંભાવનાને લઈને તાપમાનમાં ઘટાડાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે 24 કલાકમાં ગુજરાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી નીચું જવાની શક્યતા છે.
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ, રાજ્યમાં જાન્યુઆરીના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે હવામાનમાં પલટો આવશે. કેટલીક જગ્યાએ માવઠું પણ થશે. કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે.