Gujarat માં શિયાળો અંત તરફઃ આગામી બે દિવસમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફાર નોંધાશે

અમદાવાદઃ ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં જ ઉનાળાની ઋતુના એંધાણ દેખાવાના શરુ થઈ ગયા છે. સામાન્ય રીતે માર્ચ આવતાં ગરમી વધતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચ પહેલાં જ ગરમી જોર પકડી રહી છે, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં માર્ચ પહેલાં જ તાપમાનનો પારો ઊંચકાયો છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થતા શિયાળાની વિદાયના સંકેત દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર થવાની સંભાવનાઓ છે.
ગુજરાતના હવામાનની આગાહી મુજબ આગામી બે દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી, પરંતુ તે પછી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં ફેરફારો નોંધાવાની શક્યતા દર્શાવી છે.
Also read: ઉનાળાની શરૂઆત પહેલા જ રાજ્યના કેટલાક જળાશયો ખાલીખમ, જાણો ક્યાં કેટલું પાણી?
રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 36 ડિગ્રી નોંધાયું છે, લઘુત્તમ તાપમાન સૌથી નીચું નલિયામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદમાં 34 અને ગાંધીનગરમાં 33 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 24થી 28 ફેબ્રુઆરી દરમિયાન અને ત્યારબાદ 7થી 10 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. માર્ચ મહિનામાં ગરમીની શરુઆત થતી હોય છે. ત્યારે કસમોસમી વરસાદ નુકસાન નોતરી શકે છે. કમોસમી વરસાદના લીધે ઉનાળુ પાક, બાજરી, મકાઈ વગેરેને નુકસાન પહોંચી શકે છે. પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ પડી શકે છે.