અમદાવાદમાં વરસાદ, ખેલૈયાની બગડી મજા, જાણો રાજ્યમાં ક્યાં-ક્યાં પડ્યો વરસાદ
અમદાવાદઃ આજે આઠમું નોરતું છે અને નવરાત્રીનો રંગ બરાબર જામ્યો છે. અમદાવાદમાં હાલ વરસાદ છે, જેના કારણે ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે. અમદાવાદ ઉપરાંત અમરેલી, ભાવનગર, મહુવા, કચ્છ- ભૂજ, માંડવી, અબડાસા, વલસાડમાં વરસાદ પડ્યો છે. અમરેલીના જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદને કારણે શેરીઓમાં પાણી વહેતા થયા હતા. ગરમી બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના કારણે ગરબા આયોજકો મુંઝવણમાં મુકાયા હતા.
વલસાડ જિલ્લાના વાતાવરણમાં લાંબા વિરામ બાદ પલટો આવ્યો હતો. કપરાડા અને આસપાસના ઘણા ગામોમાં વરસાદ પડ્યો હતો. ધરમપુર અને આસપાસના ગામોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. સાપુતારા સહીત તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં થોડાક સમય માટે વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી. આ સિવાય ગીર સોમનાથ અન નડીયાદમાં પણ વરસાદ પડ્યો હતો. નવરાત્રીના અંતિમ દિવસોમાં મેઘરાજા વરસતાં ખેલૈયાઓ નિરાશ જોવા મળી રહ્યા છે.
હવામાન વિભાગ દ્વારા 11 ઓક્ટોબરે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છ. ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.