Gujarat Weather: રાજ્યમાંથી ઠંડી વિદાય ભણી, તમામ શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી ઉપર પહોચ્યું
![heatwave-in-india-zomato-request-from-customers-dont-order-in-afternoon](/wp-content/uploads/2024/06/zomato-heat-wave.webp)
અમદાવાદઃ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં (Gujarat Weather Update) ઉતાર-ચઢાવ આવી રહ્યો છે. હવે ધીમે ધીમે ઠંડી ઓછી થઈ રહી છે અને ગરમી વધી રહી છે. હાલ નાગરિકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, સવારે અને મોડી સાંજ બાદ ઠંડી લાગે છે તેમજ બપોરે ગરમીનો અનુભવ થાય છે. ગતરોજ નલિયામાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન ભુજમાં 34 ડિગ્રી નોંધાયું હતું.
કયાં કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ લઘુત્તમ તાપમાન સામાન્યની આસપાસ જ છે. મહત્તમ તાપમાન ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. ગતરોજ ગાંધીનગરમાં 16 ડિગ્રી, ડીસા 15 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 18 ડિગ્રી, વડોદરા 16 ડિગ્રી, સુરત 17 ડિગ્રી, ભુજ 18 ડિગ્રી, કંડલા 18 ડિગ્રી, ભાવનગર 19 ડિગ્રી, દ્વારકા 21 ડિગ્રી, ઓખા 21 ડિગ્રી, પોરબંદર 18 ડિગ્રી, વેરાવળ 18.7 ડિગ્રી, રાજકોટ 18 ડિગ્રી, સુરેન્દ્રનગર 18 ડિગ્રી, મહુવા 15 ડિગ્રી, કેશોદમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન પહોચી ગયું હતું. ગુજરાતમાં હાલ ઉત્તર-પૂર્વથી ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે. પૂર્વ તરફથી પવન ફૂંકાશે તો થોડી ગરમી શરૂ થશે.
અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી પહોચી ગયું છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની છે. પવનની દિશા બદલાતા લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. તો જુનાગઢના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાક રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે.