ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાએ જમાવટ શરૂ કરી દીધી છે. રાજ્યના તાપમાનમાં 2.2 ડિગ્રીનો ઘટાડો થયો હતો અને શુક્રવારે દિવસ દરમિયાન 14 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે અમદાવાદ સહિત અનેક શહેરોમાં લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ,રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહશે. તાપમાનમાં સામાન્ય ઘટાડો અને વધારો થશે પરંતુ કોઈ મોટા ફેરફારની શક્યતા હાલમાં નથી. રાજ્યમાં હાલ જેવું વાતાવરણ છે તેવું જ આગામી દિવસોમાં રહેવાની સંભાવના છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં કડકડતી ઠંડીની કોઈ સંભાવના નથી. ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. 4 ડિસેમ્બર પછી લઘુત્તમ તાપમાન વધશે. કેટલાક ભાગમાં 10 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.
આ ઉપરાંત ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લૉ પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થતાં પુડ્ડુચેરી તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત ડિસેમ્બરમાં વધુ એક ચક્રવાત આવશે. જેના કારણે ગુજરાતમાં 15 થી 17 ડિસેમ્બર વાદળછાયું વાતાવરણ રહી શકે છે.