આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં વાવાઝોડું ટળ્યું, છતાં આ ભાગોમાં વરસાદની શક્યતા: પરેશ ગૌસ્વામીની આગાહી…

અમદાવાદ: ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે અને રાજ્યનાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહયો છે. આ દરમિયાન અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું હતું. જો કે સક્રિય થયેલી સિસ્ટમ સાયક્લોનિક સરક્યુલેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે મજબૂત લો પ્રેશર બની ચૂકી છે, જેના પગલે ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ અંગેની આગાહી કરી છે.

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ ટળ્યું
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહી અનુસાર શરૂઆતમાં આ સિસ્ટમની ગતિ ધીમી હતી અને જો તે પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ તરફ ફંટાત તો વાવાઝોડું બનવા માટે અરબ સાગરમાં અનુકૂળ પરિબળો હતા. જોકે, સિસ્ટમમાં ઉત્તર-પૂર્વ તરફની મૂવમેન્ટ જોવા મળતા હવે ગુજરાત વાવાઝોડાના સંકટમાંથી બહાર આવી ગયું છે.

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
જોકે, આ સિસ્ટમ વધુ મજબૂત બને તેવી શક્યતાઓ છે અને આગામી દિવસોમાં તે લો પ્રેશરમાંથી મજબૂત ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. જો કે આ દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતનાં આણંદ, ખંભાત, નડિયાદ સહિતના પંથકમાં તેમજ સૌરાષ્ટ્રનાં રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી છે.

ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમ સાયક્લોન નહીં બને, પરંતુ ડિપ્રેશનમાં ફેરવાઈ રહી હોવાથી વરસાદની સાથે આ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. ખેડૂતો અને નાગરિકોને હવામાન વિભાગ દ્વારા અપાતી સૂચનાઓ પર ધ્યાન આપવા વિનંતી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button