ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું, ચોમાસા અંગે અંબાલાલ પટેલે કરી આ આગાહી…

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસા પૂર્વે ફરી એકવાર ગરમીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. જેમાં મંગળવારે રાજયમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું છે. જેમાં 41 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ગરમ વિસ્તાર રહ્યો હતો. જ્યારે દ્વારકામાં 33.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે હવામાન વિભાગ મુજબ ચોમાસા માટે રાહ જોવી પડશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજયમાં 12 થી 15 જુનમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે.
15 થી 22 જૂન વચ્ચે ભારે વરસાદની આગાહી
15 થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. જેમાં સુરત, નવસારી, ભરૂચ, જંબુસર, વડોદરા, પંચમહાલ, દાહોદ, લીમખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના કેટલાક ભાગોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
24થી 30 જૂન દરમિયાન ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ અગન ભઠ્ઠીમાં ફેરવાયુ
રાજયમાં સતત વધી રહેલી ગરમી વચ્ચે અમદાવાદ પણ અગન ભઠ્ઠીમાં ફેરવાયુ છે. જેમાં અમદાવાદમાં તાપમાનનો પારો 40.2 ડિગ્રી પહોંચી ગયો છે. તેમજ ગરમ પવન ફૂંકાવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું.
સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પશ્ચિમી પવનો અને ભેજને લીધે હળવા વરસાદનું અનુમાન છે.દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદના એંધાણ છે. તો સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.જો કે, હાલ ગુજરાતમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.હવામાન વિભાગનું કહેવું છે કે તાપમાનમાં ઘટાડાની પણ શક્યતા નહીંવત છે.