Gujarat Weather: આજથી ગરમીનો નવો રાઉન્ડ શરૂ, અકળામણનો થશે અનુભવ…

અમદાવાદઃ આજથી ગુજરાતના તાપમાનનો પારો ફરી ઉપર જવાનો છે. જેમાં રાતના અને દિવસના બન્ને તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનમાં વધારો થવાથી આકરી ગરમીનો અનુભવ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજયમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજથી રાજ્યના લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતા લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે. આગામી પાંચ દિવસ આ વધારો યથાવત્ રહેશે. જોકે, રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ ભેજયુક્ત પવનોને કારણે બફારો અનુભવવો પડશે. આ સાથે હવામાન વિભાગ દ્વારા ગરમીના કારણે અકળામણ થાય તેવી સ્થિતિ રાજ્યમાં ઉભી થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. જેમાં 24મી માર્ચ દરમિયાન સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીના કારણે અકળામણ અનુભવાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
આ પણ વાંચો : Gujarat ના વાતાવરણમાં પલટો, કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
ક્યાં કેટલું નોંધાયું તાપમાન
થોડા દિવસોથી ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી હતી. ગતરોજ રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 38 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 37 ડિગ્રી, ગાંધીનગરમાં 36 ડિગ્રી, ડીસામાં 37 ડિગ્રી, વડોદરામાં 36 ડિગ્રી, સુરતમાં 36 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. નલિયામાં 36 ડિગ્રી, કેશોદમાં 37 ડિગ્રી, અમરેલીમાં 36 ડિગ્રી, પોરબંદરમાં 32 ડિગ્રી, ભાવનગરમાં 35 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 36 ડિગ્રી, મહુવામાં 33 ડિગ્રી, કેશોદ 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું
હવામાન નિષ્ણાત નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે. 22- 23 માર્ચ દરમિયાન રાજ્યમાં ગરમીમાં વધારો થઇ શકે છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. કચ્છમાં પણ મહત્તમ તામપાન 39થી 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ગરમીનો પારો 39થી 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં મહત્તમ તામપાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાતની હવામાન અંગેની આગાહી સાચી પડી હોય તેમ 20મી માર્ચના રોજ કચ્છમાં વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદીઓ રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો સુધરી જજો, આજથી થશે FIR
હીટવેવથી બચવા શું કરશો?
ભીષણ ગરમી દરમિયાન વધુ પડતાં પ્રોટીનયુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળો, ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો. ભલે તમને તરસ ન લાગી હોય પણ પૂરતી માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહીં, લસ્સી, છાશની સાથે સાથે ફ્રૂટ જ્યુસનું સેવન કરો. કાકડી, તરબુચ, ટેટી, શેરડીનો રસ વધારે પ્રમાણમાં લો.
હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો. ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો. હીટ સ્ટ્રોકના લક્ષણો પર વિશેષ ધ્યાન આપોઃ જેમકે ચક્કર, બેભાન, ઉલટી, ઉબકી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હૃદયના ધબકારા વધવા.બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા ન છોડો.