ગુજરાત હવામાનઃ ઠંડીમાં આંશિક રાહત, અમરેલીમાં 8 ડિગ્રી તાપમાન

અમદાવાદઃ ગુજરાત ઉપરથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ફરી એક વખત આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો નોંધાશે. જેના કારણે લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે, જે આગામી બે-ત્રણ દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે.
અમદાવાદમાં કેવું રહેશ હવામાન
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધી ઉપર જઈ શકે છે. અમદાવાદમાં આજે આકાશ સ્વચ્છ રહેશે. આ સાથે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેવાની આગાહી આપવામાં આવી છે. ગુરુવારે શહેરમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં સૌથી ઓછું 8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌથી ઠંડા રહેતા નલિયામાં 10 ડિગ્રી, રાજકોટમાં 9 ડિગ્રી અને કેશોદમાં 10 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગત ગુરૂવારે પાંચ શહેરોમા લઘુત્તમ તાપામાન 10 ડિગ્રીથી નીચે જ્યારે 14 શહેરોમા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી ઉપર રહ્યું છે.
Also read:

તેમણે વધુમાં જણાવ્યું છે કે, હાલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાસ થવાનું હતું તે ક્રોસ થઈ ગયું છે. પવનની દિશા હવે બદલાઈ જશે. જેના કારણે જ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. વાદળો અને માવઠા અંગે તેમણે જણાવ્યું છે કે, વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા નથી. ગુજરાતમાં સાત દિવસ વાતાવરણ સુકું જ રહેશે. રાજ્યમાં ઉત્તર-ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે.