સેનેગલ, માલી અને ટોગો જેવી ગરમી પડી રહી છે ગુજરાતના આ ત્રણ શહેરોમાં,... મુંબઈ સમાચાર
આપણું ગુજરાતભુજ

સેનેગલ, માલી અને ટોગો જેવી ગરમી પડી રહી છે ગુજરાતના આ ત્રણ શહેરોમાં,…

ભુજઃ દીપોત્સવી પર્વના પૂર્ણ થયાના દસ દિવસ બાદ પણ ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ શિયાળો બેઠો નથી અને ગરમીએ વાતાવરણને વિષમ બનાવી દીધું છે. આજે પૃથ્વીના સમગ્ર ઉત્તર ગોળાર્ધમાં દુનિયાના સૌથી ગરમ ૧૫ શહેરોની યાદીમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ થતાં રાજ્યમાં કેટલી પારાવાર ગરમી પડી રહી છે તેનો અંદાજ આવી શકે છે. આજે સમગ્ર ઉત્તર ગોળાર્ધમાં રાજકોટ છઠ્ઠા નંબરનું સૌથી ગરમ મથક તરીકે નોંધાયું છે. જયારે ડિસાનો ક્રમ અગિયારમો છે તો દેશના પશ્ચિમ કાંઠાના મહાબંદર નવા કંડલા ગરમ શહેરોની યાદીમાં ચૌદમા ક્રમાંક પર નોંધાયું છે.

આ પણ વાંચો : Gujarat માં નવેમ્બર માસમાં પણ ગરમી યથાવત ,  પાંચ જિલ્લામાં તાપમાન 35 ડિગ્રીને પાર

આ યાદીમાં સેનેગલ, ટોગો અને માલી દેશના શહેરોનો સમાવેશ થાય છે અને સેનેગલના તમબાકોન્ડા ખાતે ઉત્તર ગોળાર્ધનું સૌથી ઊંચું તાપમાન ૩૯ ડિગ્રી સે. નોંધાયું છે. રાજકોટમાં નોંધાયેલા મહત્તમ ૩૮ ડિગ્રી કરતાં માત્ર એક ડિગ્રી સેલ્સિયસ વધારે તાપમાન છે. આ જોતાં ગુજરાતમાં હજુ ભારે ગરમી પડી રહી છે.

દરમ્યાન, આજે ભુજમાં વધુમાં વધુ તાપમાન ૩૭ ડિગ્રી સે. હતું જે નવેમ્બર મહિનાને ધ્યાનમાં લેતાં એક અસામાન્ય બાબત કહી શકાય.

વિક્રમજનક રીતે કચ્છમાં સેનેગલ, ટોગો અને માલી જેવા દેશોની સમકક્ષ ગરમી પડી રહી છે.

સામાન્ય રીતે કચ્છમાં દિવાળીના તહેવારો દરમ્યાન શિયાળો દસ્તક દઈ દે છે. ગરમીએ જનજીવનને એટલું કફોળું બનાવી દીધું છે કે, જેમ લોકો વરસાદ માટે પ્રાર્થના-ઈબાદત કરે છે તેમ હવે વહેલી તકે ઠંડી શરૂ થાય તે માટે પણ પ્રાર્થના કરવી પડે તેવો તાલ સર્જાયો છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આવશે નજીક: દરિયામાં બનશે 30 કિલોમીટર લાંબો બ્રિજ

અધુરામાં પૂરું સતત પડી રહેલી ગરમીના કારણે કચ્છમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો છે અને સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીઓથી હાલ ઉભરાઈ રહ્યાં છે.

Back to top button