ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ, આજે વહેલી સવારથી પાટણમા વરસાદ શરૂ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ (Rain in Gujarat) વરસ્યો છે. જેમાં સૌથી વધુ સંતરામપુર અને બેચરાજીમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી ચાર દિવસ માટે વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય છે, જેને કારણે આગામી ચાર દિવસ વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ત્યારે આજે વહેલી સવારે પાટણના સિદ્ધુપર તાલુકામાં ધોધમાર વરસાદ શરુ થયો હતો.
આજે પાટણના સિદ્ધપુર તાલુકામાં વરસાદ શરૂ:
પાટણના સિદ્ધપુર તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા વધી છે. કાલેડા, દશાવાડા, કલ્યાણાં, કુંવારા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. આ વરસાદથી પાકને નુકસાન થતું હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમા વરસાદ:
ગુજરાતમાં બુધવારના રોજ ઉત્તર ગુજરાતમાં પધરામણી કરી હતી. પાટણ, મહેસાણા અને બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસ્યો છે. આજે સવારે છ વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં સાંતલપુરમાં 2.7 ઈંચ, બેચરાજીમાં 2.4 ઈંચ, રાધનપુરમાં 2.28 ઈંચ, શંખેશ્વરમાં 1.7 ઈંચ, લાખાણીમાં 1.5 ઈંચ, જોટાણામાં 1.4 ઈંચ, નડિયાદમાં 1.4 ઈંચ, કડીમાં 1.25 ઈંચ, પોશીનામાં 1.22 ઈંચ, સુઈગામમાં 1.1 ઈંચ, ખંભાત અને ધાનેરામાં એક ઈંચ, મહુવા અને અમીરગઢમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગાંધીનગર શહેર, કચ્છના નખત્રાણા, રાજકોટના લોધીકા અને પાટણના સામીમાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.