ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 87.45 ટકા વરસાદ, રાજ્યમાં 143 તાલુકામાં ભીંજાયા…

અમદાવાદઃ હવામાન વિભાગે રાજયમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી હતી. લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમજ માછીમારોને દરિયો ના ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી હતી.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા સાંજે 6 વાગ્યા સુધીના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં 143 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ખેરગામમાં 2.83 ઇંચ, વિજયનગરમાં 2.24 ઇંચ, બાલાસિનોરમાં 2.13 ઇંચ, સોનગઠમાં 2.05 ઇંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં ચાર તાલુકામાં બે ઇંચથી વધારે, 16 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. 123 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 85.27 ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 78.50 ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 96 ડેમને હાઇ એલર્ટ, 26 ડેમને એલર્ટ અને 20 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે. રાજ્યમાં 70 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. માત્ર 16 ડેમમાં જ 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.
રાજ્યમાં વરસાદના કારણે પંચાયત હસ્તકના 205 સહિત કુલ 222 રોડ રસ્તા હજુ પણ બંધ છે. પોરબંદરમાં બે, દેવભૂમી દ્વારકામાં બે તથા જૂનાગઢમાં એસટીના એક રૂટ મળી કુલ 15 ટ્રીપ બંધ છે.