
અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં હવામાનમાં ઘણો ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે હજી બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે (IMD) સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તાપમાનમાં ઘટાડો નોંધાશે તેમ જણાવ્યું છે.
Also read : ગુજરાત સરકારે વાલીઓને આપી મોટી રાહત; RTE પ્રવેશ માટે આવક મર્યાદા વધારાઈ
હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ જોવા મળશે. આવનારા 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે. 19 માર્ચ સુધી દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતાની સ્થિતિ રહેવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિનું નિર્માણ થશે.
બીજીતરફ હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે, એકંદરે 21મી માર્ચ સુધી તાપમાન 40 ડિગ્રી કરતાં નીચું રહેશે. માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 22મી માર્ચથી 30મી માર્ચ દરમિયાન વધુ હીટવેવનો એક નવો રાઉન્ડ આવશે અને ઊંચું તાપમાન જોવા મળશે. માર્ચ ના છેલ્લા એક અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં 43 ડિગ્રી તાપમાન વધારો નોંધાઈ શકે છે.
Also read : અમદાવાદઃ વસ્ત્રાલમાં આતંક મચાવનારા શખ્સોના ઘર પર ફરી વળ્યું બુલડોઝર…
શનિવારે અમદાવાદમાં 39 ડિગ્રી, ગાંધીનગરમાં 39 ડિગ્રી, ડીસામાં 38 ડિગ્રી, વડોદરામાં 38 ડિગ્રી, સુરતમાં 37 ડિગ્રી, ભુજમાં 36.7 ડિગ્રી, અમરેલીમાં 38 ડિગ્રી, પોરબંદરમાં 32 ડિગ્રી, ભાવનગરમાં 37 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી, મહુવામાં 36 ડિગ્રી, કેશોદમાં 36 ડિગ્રી તાપમાન નોધાયું છે.