ગુજરાતમાં બે દિવસમાં ઠંડીમાં ચમકારો વધશે, અમદાવાદમાં એક જ દિવસમાં પારો 4 ડિગ્રી ગગડ્યો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ઠંડી સાવ ઘટી અને સામાન્ય થઈ ગઈ હતી, ડિસેમ્બર માસ હોવા છતા પંખા-એ.સી. કરવા પડે તેવા પ્રકારનું તાપમાન નોંધાતુ હતું. પરંતુ રાજ્યમાં આગામી બે દિવસમાં બેથી ચાર ડિગ્રી સુધી તાપમાન ઘટવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે ઠંડીમાં વધારો નોંધાશે. અમદાવાદમાં ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા છે .સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડીનો દૌર શરુ થશે તેવું હવામાન વિભાગનાં સૂત્રોએ જણાવ્ય હતું.
હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ આજથી સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતા પાંચ દિવસ સુધી ક્રમશ: ઠંડીનાં પ્રમાણમાં વધારો થશે અને લઘુતમ તાપમાન સતત નીચું ઉતરશે. આથી કડકડતી ઠંડીનો અનુભવ થશે. આજથી નવુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યુ છે, જેનાં કારણે ઉતર ભારતનાં રાજયોમાં હવામાન પલ્ટા સાથે માવઠાની શકયતા છે. જોકે, સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આ હવામાન પલ્ટાની અસર નહિવત રહેશે. પરંતુ, ઠંડીનું પ્રમાણ વધવા પામશે.
Also read: ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ, રાજકોટ સૌથી ઠુંડુ શહેર
નલિયામાં સિંગલ ડિઝીટમાં પહોંચી શકે છે તાપમાન
ખાસ કરીને નલિયા, ડિસા, ગિરનાર પર્વત, જૂનાગઢ, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર શહેરમાં તિવ્ર ઠંડીનો અહેસાસ થશે અને લઘુતમ તાપમાન 10થી 12 ડિગ્રી વચ્ચે નોંધાશે. સંભવત: નલિયામાં સિંગલ ડિઝીટમાં પણ તાપમાન પહોંચી શકે છે.
અમદાવાદમાં એક જ દિવસમાં પારો 4 ડિગ્રી ગગડ્યો
શનિવારના રોજ નલિયામાં લધુત્તમ તાપામાન 13 ડિગ્રી નોંધાયુ હતુ. આ ઉપરાંત રાજ્યના 13 શહેરોમાં વધુ લઘુત્તમ તાપામાન 14 ડિગ્રીથી 16 ડિગ્રીની વચ્ચે રહ્યુ હતું. અમદાવાદમાં એક જ દિવસમાં ઠંડીનો પારો 4 ડિગ્રી ગગડ્યો હતો. ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના ઠંડા પવનની અસરના કારણે રાજ્યમાં તાપમાન હજુ ગગડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી બે દિવસમાં કડકડતી ઠંડીનો દૌર શરૂ થઈ રહ્યો હોવાથી લોકોએ હવે કબાટમાં રાખેલા જર્સી, સ્વેટર, જાકીટ, શાલ અને બ્લેન્કેટ કાઢી રાખવા પડશે. તેમજ ઠેર-ઠેર રાત્રીનાં સમયે તાપણા પણ જોવા મળશે.