રાજ્યમાં આજે કેવું રહેશે હવામાન, જાણો હવામાન વિભાગની આગાહી…

અમદાવાદઃ રાજ્યમાંથી ચોમાસાની ભલે સત્તાવાર વિદાય થઈ ચુકી હોય પરંતુ કમોસમી વરસાદ જવાનું નામ નથી લઈ રહ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આજે પણ માવઠું થઈ શકે છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ મહિસાગરમાં છૂટોછવાયો વરસાદ પડશે.
આ ઉપરાંત આજે વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવો વરસાદ વરસી શકે છે. રાજ્ય પર સર્જાયેલી વરસાદી સિસ્ટમ ધીમે ધીમે નબળી પડી રહી છે અને એક-બે દિવસમાં વરસાદ વિદાય લઈ શકે છે. કમોસમી વરસાદની વિદાય સાથે જ રાજ્યમાં ગુલાબી ઠંડીની શરૂઆત થશે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યમાં માત્ર ત્રણ તાલુકામાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો. વઘઈમાં 0.12 ઇંચ, ડાંગ આહવામાં 0.12 ઇંચ અને ઉમરગાંવમાં 0.04 ઇંચ વરસાદ પડ્યો હતો.
નોંધનીય છે કે ચાલુ વર્ષે પડેલા વરસાદે છેલ્લા 4 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં 21.4 ટકા વરસાદ નોંધાતો હોય છે. તેની સામે આ વખતે 339 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. ઓક્ટોબર મહિનામાં 3.70 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.



