ગુજરાતમાં મહા મહિને જ ઠંડી ગાયબ! દળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનનો પારો ઉંચકાયો…

અમદાવાદ: ગુજરાતમાં મહા મહિને ઠંડી જામવાને બદલે ન્યૂનતમ તાપમાનનો પારો વધતાં હાલ પૂરતી હાડ થિજવતી ઠંડી ગાયબ થઈ ગઈ છે. છેલ્લા અનેક દિવસોથી વાદળછાયા વાતાવરણ અને ઠંડા સુસવાટા મારતા પવનની અસર પણ જોવા મળી રહી છે. આથી આગામી દિવસોમાં ફરી વખત ન્યૂનતમ તાપમાનનો પારો નીચો ઉતરે અને ઠંડીમાં રાઉન્ડની શરૂઆત થાય તેવું માનવામાં આવી રહ્યું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નોંધાયેલા ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં ન્યૂનતમ 18.6 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 17 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 19.4 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 20.2 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 16.8 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 15.2 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 17.8 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 13.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 18.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ પણ 3 દિવસ સુધી વાદળછાયું અને ધૂંધળું વાતાવરણ જોવા મળી શકે છે. ત્યારબાદ ન્યૂનતમ તાપમાનનો પારો 18 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. તે સિવાય રાજકોટ, અમરેલી, સુરત, ભાવનગર, ભુજ, ડીસા સહિત સમગ્ર રાજ્યમાં 9 ફેબ્રુઆરી સુધી વાદળછાયું અને ધૂંધળું વાતાવરણ જોવા મળી શકે છે.
દિલ્હી-NCRમાં હવામાન મિજાજ બદલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં જ ઠંડીની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. દિવસ દરમિયાન તેજ તડકો નીકળી રહ્યો છે, જેના કારણે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. આ સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. જોકે, સવાર-સાંજ હજુ પણ ઠંડી અનુભવાઈ રહી છે. પહાડો પર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ)ની અસરને કારણે દિલ્હીમાં આગામી થોડા દિવસોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.



