જાણો.. Diwali ના તહેવારોમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન ?

અમદાવાદ: દિવાળીને(Diwali) ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી છ દિવસમાં ગરમીનો પારો વધશે તેવી આગાહી કરી છે. આ સાથે રાજયમાંથી વરસાદનું સંકટ ધીરે ધીરે દૂર થઈ રહ્યું છે. ત્યારે તાપમાનમાં વધારો થાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાત રાજ્ય, દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજથી છ દિવસ એટલે કે, બીજી નવેમ્બર અને બેસતા વર્ષના દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે. રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા દેખાઈ નથી રહી.
ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. ચારથી પાંચ દિવસ તાપમાન યથાવત્ રહેવાની સંભાવના છે. બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે વહેલી સવારે ગુલાબી ઠંડીનો ધીરે ધીરે અહેસાસ થશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
આ મહિનાના અંત સુધીમાં ગરમી વધવાની શકયતાઓ છે સાથે સાથે રાત્રીના સમયે ઠંડી પણ વધી શકે છે. રાત્રીના સમયે તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી નોંધાયું છે સાથે સાથે અમદાવાદનું લઘુતમ તાપમાન 21.8 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલમાં ભેજ વાળું વાતાવરણ હોવાથી ગરમીનું પ્રમાણ વધ્યું છે.