Gujarat માં વાવાઝોડા અસનાની અસર વર્તાશે, બે દિવસ છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદની આગાહી…

અમદાવાદઃ ગુજરાત(Gujarat)પર તોળાતો અસના વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વાવાઝોડાની કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગંભીર અસર જોવા નથી મળી. કચ્છના કાંઠા પર બનેલુ અસના વાવાઝોડું અરબ સાગર તરફ ફંટાઈને ઓમાન તરફ આગળ વધી ગયું છે. ગુજરાત પર વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે 1લી સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં ત્રણ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આ પણ વાંચો : Cyclone Asna : કચ્છ, ગીર સોમનાથ, દ્વારકા સહિતના દરિયા કિનારે કરંટ જોવા મળ્યો
વાવાઝોડું નલિયાથી 570 કિલોમીટર આગળ વધી ગયુ
આ વાવાઝોડું નલિયાથી 570 કિલોમીટર આગળ વધી ગયુ છે. જોકે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી એક સપ્તાહ માટે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ આપ્યું છે. જ્યારે આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ અપવામાં આવ્યુ છે.
સોમવારના રોજ ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા બીજી સપ્ટેમ્બર સોમવારના રોજ ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને ભાવનગરમાં યલો એલર્ટ છે. જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.