Gujarat Weather: કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર! રાજ્યભરમાં ગરમીનો પારો જશે ઉપર
અમદાવાદ: રાજ્યમાં અગાઉ કમોસમી વરસાદના કારણે રાજ્યમાં વાતાવરણ ઠંડુ થયું હતું અને બેવડી ઋતુનું અનુભવ થતો હતો. પરંતુ હાલના સમયમાં રાજયભરમાં ગરમી ધીમે ધીમે વધી રહી છે. જો કે ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે અમુક જગ્યાએ ઠંડકનો અહેસાસ પણ થઈ રહ્યો છે (Gujarat Weather Forecast). પરંતુ આ બધાની વચ્ચે હવામાનને લઈને એક મહત્વની આગાહી બહાર આવી છે. રાત્રે અને સવારે ઠંડીનો અનુભવ કરતાં લોકોને હવાએ આગામી દિવસોમાં દિવસ દરમ્યાન આકરા તાપનો મારો સહન કરવો પડશે. કારણ કે રાજ્યમાં આગામી 5 દિવસમાં ગરમીનો પારો ઊંચો જવાની શ્કયતાઓ છે.
આજથી (16 માર્ચથી) ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના 9 નગરોનું તાપમાન અત્યારથી જ 34 ડિગ્રીએ પહોંચ્યું છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ છે. આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. તેમજ સૌરાષ્ટ્રમાં પણ હવામાન વિભાગની આગાહી છે કે 18થી 24 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.
આપને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતી કાલથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીની વધારો જોવા મળશે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયુ અને સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં 35.2 ડિગ્રી નોંધાયુ છે. તેમજ આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે. આપણે જોઈ રહ્યા છીએ કે હાલ અમદાવાદમાં બપોરના સમયે આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ હવામાન વિભાગે આગામી દિવસોમાં રાત્રે અને સવારે પણ તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. હાલ રાજ્યમાં અમદાવાદ સૌથી વધુ ગરમ શહેર છે જ્યારે ગાંધીનગરના તાપમાનનો પારો પણ ઊંચો જઇ રહ્યો છે.
રાજ્યભરમાં હવામાન સૂકું રહેશે તેમજ હાલ વરસાદની કોઈ સંભાવનાઓ નથી. ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરીય પવનો ગુજરાતના ઉત્તર અને દક્ષિણ એમ બંને કિનારે પવન ફૂંકાવવાની શક્યતાઓ છે. જેની સ્પીડ 10-15 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. આપને જણાવી દઈએ કે આગામી દિવસોમાં રાજ્યભરમાં કાળઝાળ ગરમી પાડવાની હવામાન વિભાગે જણાવ્યુ હતું.