આપણું ગુજરાત

ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું! અનેક શહેરોમાં પારો ૧૮ ડિગ્રીને પાર; નલિયામાં પણ 12 ડિગ્રી…

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઠંડીના જોરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પવનની દિશા બદલાવાને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, જેનાથી નાગરિકોને કકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યનું ‘કોલ્ડ સિટી’ ગણાતું નલિયા ૧૨.૮ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડું શહેર રહ્યું હતું, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પારો ૧૮ ડિગ્રીને પાર કરી ગયો હતો. અન્ય શહેરોમાં પણ તાપમાન ૧૫ થી ૧૮ ડિગ્રીની વચ્ચે રહેતા રાત્રિ દરમિયાન ઠંડીનો અનુભવ ઓછો થયો હતો.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, રાજ્યના મુખ્ય શહેરોમાં ઠંડી ઓછી થઈ છે, જેમાં અમદાવાદમાં ૧૮.૬ ડિગ્રી, વડોદરામાં ૧૮.૪ ડિગ્રી અને ગાંધીનગરમાં ૧૮.૨ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ સિવાય કંડલામાં ૧૬.૯ ડિગ્રી, ડીસામાં ૧૬.૮ ડિગ્રી અને અમરેલીમાં ૧૬.૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું. સૌરાષ્ટ્રના રાજકોટમાં ૧૫.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજ્યનું સૌથી ઠંડું શહેર ગણાતા નલિયામાં પારો ૧૨.૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા ત્યાં અન્ય શહેરોની સરખામણીએ હજુ પણ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.

બીજી તરફ, ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થવાને કારણે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. હિમાલયના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે વાતાવરણ પલટાયું છે. ઉત્તર પ્રદેશ અને દેશની રાજધાની દિલ્હીમાં ગઈકાલ રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે. સતત બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે, જેમાં વરસાદની સાથે તેજ પવન અને ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે.

દિલ્હી-એનસીઆર (NCR) માં આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. પવનની ગતિ ૩૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સાથે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કુદરતી ફેરફારને કારણે દિલ્હીમાં મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રી અને લઘુત્તમ ૧૧ ડિગ્રીની આસપાસ રહી શકે છે. ખરાબ હવામાન અને ગાઢ ધુમ્મસને કારણે માર્ગ વાહનવ્યવહાર અને હવાઈ સેવાઓ પર પણ અસર થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે પ્રવાસીઓને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button