Gujarat માં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)સતત અનુભવાતી ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. જેમાં હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમ્યાન રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની (Monsoon 2024) આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે ભાવનગરના 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની(IMD)આગાહી અનુસાર 19થી 21 જૂન દરમિયાન સુરત, વડોદરા, ભરૂચ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
જ્યારે આગામી 17થી 21 જૂન દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જેમાં 16 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદની શક્યતા છે. જ્યારે 17 જૂનના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ થઇ શકે છે. 18 જૂનના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં મેધમહેર જોવા મળી શકે છે.
ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી
જ્યારે 19 થી 21 જૂન દરમ્યાન વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે પંચમહાલ, દાહોદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.