ગુજરાતમાં મતદાર યાદીની થશે ચકાસણી: કોંગ્રેસે ઉઠાવેલા વોટ ચોરીના મુદ્દા બાદ તંત્ર એલર્ટ
થોડા દિવસ પહેલા ગુજરાતમાં કોંગ્રેસે વોટ ચોરીના પુરાવા આપ્યા હતા

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસે થોડા દિવસ પહેલા વોટ ચોરીનો મુદ્દો ઉછાળ્યો હતો. જે બાદ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યમાં 2002 અને 2025ની મતદાત યાદીની સરખામણી કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ કરવા માટે 24 સપ્ટેમ્બરની તારીખ પણ નિર્ધારિત કરવામાં આવી છે.
ટેક્નોલોજીનો કરાશે ઉપયોગ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ કામગીરી માટે બુથ લેવલ ઓફિસર્સને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જે મુજબ 2022ની છાપેલી મતદારી યાદી અને 2025ની અંતિમ મતદાર યાદીની સરખામણી કરાશે. આ ઉપરાંત ટેકનોલોજીનો ઉપયોગ કરીને 2002ની યાદીને યુનિકોડમાં રૂપાંતરિત કરવામાં આવશે અને તેનો પણ સહારો લેવાશે.
પરિપત્ર જાહેર કરવામાં આવ્યો

સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ, બુથ લેવલ ઓફિસર 2025ની મુખ્ય યાદી, પુરક યાદી અને બીએલઓ એપમાં તાજેતરમાં ઉમેરાયેલા નામોની ચકાસણી કરશે. આ મહત્ત્વપૂર્ણ કામગારી માટે રાજ્યના સરકારી પ્રાથમિક શિક્ષકોને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. ઉપરાંત લેખિતમાં પરિપત્ર દ્વારા આદેશો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખાસ સઘન સુધારણા 2026ના ભાગરૂપે મતદાર યાદીને અપડેટ કરવા આ કવાયત હાથ ધરવામાં આવશે.
કોંગ્રેસે નકલી મતદારનો કર્યો હતો દાવો
થોડા દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની લોકસભા સીટ અંતર્ગત આવતી સુરતની ચોયાર્સી બેઠકનો ડેટા રજૂ કર્યો હતો, જેમાં તેમણે 30 હજાર નકલી મતદાર હોવાનો દાવો કર્યો હતો.
આ ઉપરાંત, તેમણે જણાવ્યું કે, વોટ ચોરી પાંચ અલગ અલગ રીતે કરવામાં આવે છે. જેમકે એક વ્યક્તિના બે અલગ અલગ વોટ, નામમાં સ્પેલિંગની ભૂલના કરીને નવા મતદાર બનાવવા, એપિક નંબર બદલીને નવા મતદાર તરીકે નોંધણી કરવી, અલગ અલગ ભાષામાં ફોર્મ ભરીને મતદાર યાદીમાં નામ ઉમેરવું તથા અલગ અલગ સરનામા બતાવીને મતદાર તરીકે નોંધણી કરાવવી.