અમેરિકામાં 'ડન્કી રૂટ'થી ઘૂસ મારનારા ગુજરાતીઓ પાછા ફર્યા: ઉત્તર ગુજરાતના ગામડાઓમાં અચાનક વસ્તીનો વધારો...

અમેરિકામાં ‘ડન્કી રૂટ’થી ઘૂસ મારનારા ગુજરાતીઓ પાછા ફર્યા: ઉત્તર ગુજરાતના ગામડાઓમાં અચાનક વસ્તીનો વધારો…

અમદાવાદ: ઉત્તર ગુજરાતના અનેક ગામડાઓમાં યુનાઇટેડ સ્ટેટ્સથી પાછા ફરેલા વૃદ્ધ યુગલો અને એકલા પુખ્ત વયના લોકોનો શાંત પરંતુ સતત પ્રવાહ જોવા મળી રહ્યો છે. આમાંના ઘણા ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા.

હવે, ટ્રમ્પ વહીવટીતંત્ર કડક ઇમિગ્રેશન કાયદાઓ લાગુ કરી રહ્યું હોવાથી તેઓ અટકાયતથી બચવા માટે જાતે જ સ્વદેશ પાછા ફરી રહ્યા છે. ડિંગુચા, ઝુલાસણ, જેતલપુર, નારદીપુર અને અન્ય ગામોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે

સૂત્રોના જણાવ્યા મુજબ, સ્વદેશ પરત ફરનારાઓની સંખ્યા ઓછામાં ઓછી 220 છે. તેમાંથી ઘણાને તાજેતરમાં જ આધાર કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે અને તેઓ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના ગામડાઓમાં ફરીથી વસવાટ કરી રહ્યા છે, જેને રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રેશનના કેન્દ્રો તરીકે ઓળખવામાં આવે છે.

સૂત્રોએ જણાવ્યું કે, અમેરિકામાં રહેતા ઘણા ગેરકાયદેસર વસાહતીઓને અટકાયતનો ડર છે. તેમની પાસે હવે આશ્રય અથવા શરણનો વિકલ્પ નથી અને તેઓ કાનૂની મુશ્કેલીથી બચવા માંગે છે. તેથી જ તેઓ સ્વેચ્છાએ પાછા આવી રહ્યા છે.

આવો જ એક તાજેતરનો કિસ્સો 65 વર્ષીય મહેસાણા નિવાસીનો છે. તે 2009માં ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યો હતો અને 7 જુલાઈએ દિલ્હી થઈને ગુજરાત પાછો ફર્યો હતો. ભારતમાં પહોંચ્યા બાદ તેની સામે ભારતીય ઇમિગ્રેશન સિસ્ટમ સાથે છેતરપિંડી કરવાનો આરોપ મૂકીને કેસ નોંધવામાં આવ્યો હતો.

આ કેસથી પરિચિત સૂત્રોએ જણાવ્યું કે, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર વસાહતીઓ પર ફરીથી શરૂ થયેલી કડક કાર્યવાહીના કારણે તેણે અમેરિકા છોડવાનો નિર્ણય લીધો હતો. સૂત્રોએ જણાવ્યું કે, છેલ્લા ત્રણથી ચાર મહિનામાં, ડિંગુચામાં લગભગ 100 નવા રહેવાસીઓ આવ્યા છે, જેમાંથી ઘણા સ્થાનિક દસ્તાવેજો શોધી રહ્યા છે.”

રહેવાસીઓ આ ફેરફારની નોંધ લઈ રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, ઘણા લોકો અમેરિકામાં વસતા હોવાથી ગામમાં વસ્તી ઓછી જોવા મળતી હતી. હવે, મંદિરના ચોક અને બેસવાની જગ્યા પરની બેન્ચો ફરીથી ભરાઈ ગઈ છે. જે લોકો પાછા ફર્યા છે તેઓ અલગ તરી આવે છે – તેઓ વધુ ગોરા, સ્વસ્થ અને સારી રીતે પોશાક પહેરેલા છે. રહેવાસીઓ આ ફેરફારની નોંધ લઈ રહ્યા છે.

લોકસભામાં તાજેતરમાં ડીએમકેના સાંસદ કનીમોઝીએ અમેરિકાથી કેટલા ભારતીયોને વતન પરત મોકલવામાં આવ્યા તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, શું સરકાર જાન્યુઆરી 2025થી અમેરિકાથી ભારત પરત મોકલવામાં આવેલા લોકોનો ડેટા રાખે છે અને તેમને ક્યા કારણોસર પરત મોકલવામાં આવ્યા તેની માહિતી છે?

શું સરકાર સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયામાં હાલના બદલાવ, સ્ટુડન્ટ વિઝા અને અન્ય વિઝામાં થઈ રહેલા વિલંબ અંગે અમેરિકા સાથે કોઈ ઔપચારિક કમ્યુનિકેશન થયું છે કે કેમ? શું સરકાર પાસે વિઝા રિજેક્ટ કરવામાં આવ્યા બાદ કે સોશિયલ મીડિયા આધારિત તપાસ પ્રક્રિયાનો સામનો કરી રહેલા ભરતીય વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓની સ્થિતિની દેખરેખ માટે કોઈ તંત્ર છે કે નહીં સવાલ પૂછ્યા હતા.

જેનો જવાબ આપતાં કેન્દ્ર સરકારે કહ્યુ હતું કે, 2025માં આ સમયગાળા દરમિયાન સૌથી વધુ પંજાબના 620 અને હરિયાણાના 604 નાગરિક સામેલ હતા. અન્ય એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, સૌથી વધુ 56.93 લાખ ભારતીયો અમેરિકામાં વસે છે. તેમાંથી 19 લાખથી વધુ નોન રેસીડેન્ટ ઇન્ડિયન છે અને 37 લાખ અમેરિકન નાગરિક છે. ડિપોર્ટ થયેલા લોકોમાં ભારતના 22 રાજ્યના નાગરિકો સામેલ છે.

ઉપરોક્ત રાજ્ય સહિત ભારતના 22 રાજ્યના નાગરિકને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા. મહારાષ્ટ્ર અને દિલ્હીના 20-20, તેલંગાણાના 19, તમિલનાડુના 17, આંધ્રપ્રદેશ અને ઉત્તરાખંડના 12-12, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કશ્મીરના 10-10 નાગરિકોને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયા હતા.

ઉપરાંત અન્ય 9 રાજ્યના કુલ 50 નાગરિકોને પણ પરત વતનમાં ડિપોર્ટ કરાયા હતા. આ ઉપરાંત જણાવ્યું કે, વિદેશમાંથી ભારતીયોને પરત મોકલતી વખતે તેમની સાથે માનવીય વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે અમેરિકા સાથે સતત સંપર્કમાં રહે છે.

આ પણ વાંચો…ડંકી રુટથી અમેરિકા જનારા ગુજરાતી યુવકને ડાયાબિટીસની દવાનાં અભાવે મળ્યું મોત

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button