ગુજરાત વિકાસ સપ્તાહ: બે દિવસમાં વિકાસ રથ દ્વારા ₹ 130 કરોડથી વધુના કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ

ગાંધીનગરઃ ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસ યાત્રાના ૨૪ સફળ વર્ષોની ઉજવણી નિમિત્તે સાતથી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રથમ બે દિવસમાં 34 વિકાસ રથના માધ્યમથી રાજ્યભરમાં કુલ ₹130 કરોડથી વધુના 2,600થી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે જ વિવિધ જિલ્લામાં ૩૪ વિકાસ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પ્રથમ બે દિવસમાં આ વિકાસ રથ સાથે રાજ્ય પ્રધાન મંડળના સભ્યો, સાંસદ અને ધારાસભ્યો ઉપરાંત ૧,૬૦૦થી વધુ સ્થાનિક પદાધિકારી-અધિકારીઓ અને ૪૧,૦૦૦થી વધુ નાગરીકો જોડાયા હતા.
આ પણ વાંચો: Gujarat ના 23 વર્ષના વિકાસ યાત્રાની ઉજવણી, 7 થી 15 ઓકટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવાશે
આ બે દિવસમાં વિકાસ રથના માધ્યમથી રાજ્યભરમાં કુલ રૂ. ૭૬.૮૩ કરોડથી વધુના ૧,૨૮૩ કામોના લોકાર્પણ તેમજ રૂ. ૫૩.૭૭ કરોડથી વધુના ૧,૩૨૦ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
વિકાસ રથના માધ્યમથી જ વિવિધ યોજનાના ૧૧,૪૦૦થી વધુ લાભાર્થીઓને કુલ રૂ. ૮૩૮ લાખથી વધુની સહાય વિતરણ કરવામાં આવી હતી. સાથે જ, વિકાસ રથ સાથે જોડાયેલા ૪૧,૦૦૦થી વધુ નાગરિકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” પણ લીધી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી બન્યા તેનાં 24 વર્ષ પૂર્ણ, વિકાસ સપ્તાહની ઉજવણી
ઉલ્લેખનીય છે કે, વિકાસ સપ્તાહ દરમિયાન ગુજરાતના ગામડે-ગામડે ફરીને આ વિકાસ રથ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને તેમના ઘર આંગણે જ સહાય પહોંચાડી રહ્યા છે.
આ ઉપરાંત વિકાસ રથ દ્વારા નાગરિકોને ગુજરાત સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યોની માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ રથના માધ્યમથી રાજ્યના નાગરિકો ગુજરાતના સર્વગ્રાહી વિકાસની સાફલ્ય ગાથાથી પરિચિત થઇ રહ્યો છે.