ગુજરાતના રસ્તાઓ બનશે શાનદાર: રાજ્ય સરકારે ₹822 કરોડ કર્યા મંજૂર

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરો અને તેમને જોડતા રસ્તાઓને વધુ સારા અને આધુનિક બનાવવા માટે ₹822 કરોડ મંજૂર કર્યા છે. આ રસ્તાઓને ‘વિકાસ પથ’ યોજના હેઠળ તૈયાર કરવામાં આવશે. શહેરોના સર્વગ્રાહી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત વિકાસ પથ યોજનામાં આવા 233 કિલોમીટર લંબાઇના 91 માર્ગોને જરૂરિયાત અનુસાર કામગીરી કરીને અદ્યતન બનાવવામાં આવશે.
રાજ્યમાં શહેરોને જોડતા – શહેરોમાંથી પસાર થતા હોય અને માર્ગ મકાન વિભાગ હસ્તકના હોય તેવા માર્ગોનો આ વિકાસ પથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તદઅનુસાર, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વિકાસપથ યોજના હેઠળ શહેરી વિસ્તારમાંથી પસાર થતા આવા માર્ગોની જરૂરિયાત અનુસાર રસ્તાને પહોળા કરવા, ઈલેક્ટ્રિક પોલ, અદ્યતન રોડ ફર્નિચર, ફૂટપાથ, સ્ટ્રોમવોટર ડ્રેઈન, સ્ટ્રીટ લાઈટ, સી.સી. રોડ, રેલીંગ, જંકશન ડેવલોપમેન્ટ, બસ-બે, મીડિયન બ્યુટીફીકેશન તથા રોડ સેફટી સાથે મજબૂતીકરણ કરીને કરવામાં આવશે.
આ પણ વાંચો: વરસાદ બંધ થવાની રાહ જોશો નહીંઃ રસ્તાઓનું મરમ્મત કામ યુદ્ધના ધોરણે હાથ ધરવાનો સીએમનો આદેશ
શું કામગીરી થશે?
આ પૈસાથી કુલ 91 રસ્તાઓને સુધારવામાં આવશે, જેમની લંબાઈ 233 કિલોમીટર છે. આ રસ્તાઓ શહેરોમાંથી પસાર થાય છે અથવા તેમને જોડે છે.
આ યોજનામાં નીચે મુજબની સુવિધાઓ ઉમેરવામાં આવશે:
- રસ્તાઓ પહોળા કરવામાં આવશે.
- નવી ફૂટપાથ, સ્ટ્રીટ લાઈટ અને રેલિંગ લગાવવામાં આવશે.
- વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમ બનાવાશે.
- બસ સ્ટોપ (બસ-બે) અને જંકશનને સુંદર બનાવવામાં આવશે.
- રસ્તાઓને મજબૂત કરીને સુરક્ષિત બનાવવામાં આવશે.
આ નિર્ણયથી શું ફાયદો થશે?
- ટ્રાફિક ઓછો થશે: ટ્રાફિક જામની સમસ્યા ઘટશે.
- સમય અને પૈસાની બચત: મુસાફરીનો સમય ઘટશે અને ઈંધણની બચત થશે.
- પ્રદૂષણ ઘટશે: અવાજ અને હવાનું પ્રદૂષણ ઓછું થશે, જેનાથી પર્યાવરણને ફાયદો થશે.
સુરક્ષા વધશે: વાહનોની અવરજવર વધુ સુરક્ષિત બનશે.
આ નિર્ણયથી શહેરી જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ મળશે અને ગુજરાતના રસ્તાઓ વધુ સુંદર અને સુવિધાજનક બનશે.