RSS Centenary Event at Gujarat Vidyapith

ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમ વખત યોજાશે RSSનો શતાબ્દી મહોત્સવ, ગાંધી વિચારકોએઉઠાવ્યો વાંધો

અમદાવાદઃ મહાત્મા ગાંધી દ્વારા 1920માં અમદાવાદમાં સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં 22 ડિસેમ્બરે RSSનો શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ યોજાશે. ગુજરાત વિદ્યાપીઠ સાથે જોડાયેલા વિદ્વાનો-ગાંધી વિચારકોનું કહેવું છે કે વિદ્યાપીઠમાં ક્યારેય RSSનો કોઈ કાર્યક્રમ યોજાયો નથી. જો આવું થશે તો તે અયોગ્ય ગણાશે. આમ ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમ વખત યોજાવા જઈ રહેલા RSSના કાર્યક્રમને લઈ વિવાદ શરૂ થઈ ગયો છે.

કોને-કોને આપવામાં આવ્યું છે આમંત્રણ

RSSના નારણપુર વિભાગ દ્વારા 22 ડિસેમ્બરે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં શતાબ્દી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના આમંત્રણ પત્રિકા પણ વહેંચાઈ ગઈ છે. જેમાં ડૉક્ટર, પ્રોફેસર, આઈએએસ, આઈપીએસ, કલાકારો, પ્રોફેશનલ્સ, ઉદ્યોગપતિ સહિત 450 લોકોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે RSS ગુજરાત પ્રાંતના સભ્ય ભાનુભાઈ ચૌહાણ અને અતિથિ તરીકે ડિસ્પોઝલ મેડિકલ ડિવાઇસ એસોસિએશન-ગુજરાતના પ્રમુખ કીર્તિકુમાર પટેલ હાજર રહેશે.

સુદર્શન આયંગરે શું કહ્યું

ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક સુદર્શન આયંગરે આ કાર્યક્રમ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાત વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ યોજાવાનો છે. તેના મુદ્દા સારા જ હશે. પરંતુ ગાંધીજીની સંસ્થામાં આ કાર્યક્રમ યોજવામાં આવે તે અયોગ્ય અને વિવેકહીન છે. RSS હિન્દુ રાષ્ટ્રની કલ્પના કરે છે અને ગાંધીની વિચારધારા સર્વ ધર્મ સમભાવની છે. ત્યારે RSS અને ગાંધીજીની વિચારધારા સાથે મેળ નથી. બંને વચ્ચે તાત્વિક ભેદ છે. તેથી ગુજરાત વિદ્યાપીઠમાં સત્તાના જોરે RSSનો કાર્યક્રમ અયોગ્ય અને વિવેકહીન છે. આવી સંસ્થામાં RSSનો કાર્યક્રમ ન થવો જોઈએ. સુદર્શન આયંગરે જણાવ્યું કે, ‘ગુજરાત વિદ્યાપીઠમાં કાર્યક્રમ યોજવા પાછળ બે જ કારણ હોઈ શકે. એક તો એ કે RSS હવે ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયું છે. જો તેવું હોય તો તેણે પહેલાં પોતાના પ્રાંગણમાં જ ગાંધીજીની વિચારધારા પર વર્કશોપ કરવો જોઈએ.

Also read: ગુજરાત વિદ્યાપીઠમાં ડિગ્રી આપવાની પરંપરા બદલાતા વિદ્યાર્થીઓમાં નારાજગી

RSS એ શું કહ્યું

અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠમાં RSS શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ યોજવાને લઈ શરૂ થયેલા વિવાદ પર પ્રતિક્રિયા આપતાં RSS કહ્યું, RSSની 100મી વર્ષગાંઠને લઈ રાજ્યના તમામ જિલ્લામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત વિદ્યાપીઠમાં શતાબ્દી મહોત્સવનું આયોજન તેમાંથી એક છે. આજના સમયમાં સમાજે બદલાવની દિશામાં આગળ વધવાની જરૂર છે. આજે દેશમાં અનેક સમસ્યાઓ છે, જેના સમાધાના માટે બદલાવની જરૂર છે. જો RSSનો આવો કાર્યક્રમ ગાંધીજી દ્વારા સ્થાપિત વિદ્યાપીઠમાં થઈ રહ્યો હોય તો તેમાં કંઈ ખોટું નથી.

સંબંધિત લેખો

Back to top button