તેરા તુજકો અર્પણઃ ગુજરાત પોલીસે ૫૦૦ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કર્યો…
ગુજરાત પોલીસે અત્યાર સુધીમાં ૯૦૮૧ કાર્યક્રમો યોજી ૪૦,૮૧૧ લાભાર્થીઓને મુદ્દામાલ પરત સોંપ્યો

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૨ થી શરૂ કરવામાં આવેલી
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિવિધ પોલીસ સ્ટેશન ખાતે ચોરી, લૂંટ કે છેતરપિંડી જેવા ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલા મુદ્દામાલને પરત મેળવવા માટે રાજ્યના નિર્દોષ નાગરિકોને ધક્કા ન ખાવા પડે અને ખૂબ જ ટૂંકા સમયમાં તે મુદ્દામાલ તેમને પરત મળે તે માટે ઝડપી કાર્યવાહી કરવાનો છે.
તેરા તુજકો અર્પણ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી કુલ ૯૦૮૧ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં ૪૦,૮૧૧ લાભાર્થીઓને રૂ.૫૦૦ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. પ્રધાન સંઘવીએ ઉમેર્યું કે, આ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા એક અઠવાડિયામાં ૧૧૨ કરોડનો મુદ્દામાલ નાગરિકોને પરત કરવામાં આવ્યો હતો.
પ્રધાને ઉમેર્યું કે, આ કાર્યક્રમ અંતર્ગત દરેક પોલીસ સ્ટેશન ખાતે કબજે થયેલા મુદ્દામાલ ખુબ જ ઓછા સમયમાં નામદાર કોર્ટમાંથી પરત સોંપવા અંગે હુકમ મેળવી તે મુદ્દામાલ લોક દરબાર/ જાહેર કાર્યક્રમ યોજી ફરીયાદી/અરજદારને પરત આપવાની કામગીરી કરવામાં આવે છે તેથી આ કાર્યક્રમ ખૂબ લોકપ્રિય થયો છે અને લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.
સુરતમાં હીરાની લૂંટનો ૪૮ કલાકમાં ગુનો ડિરેકટ કર્યો
સુરત ખાતે થયેલી લૂંટ અને તેના ડિટેક્શન અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નો પ્રત્યુત્તર આપતા પ્રધાને કહ્યું કે, સુરત શહેરમાં થયેલી ૭.૮૬ કરોડની હીરાની લૂંટના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં એટલે કે માત્ર ૪૮ કલાકમાં ગુનો ડિરેકટ કરી તેનો મુદ્દામાલ પણ મૂળ માલિકોને માત્ર એક અઠવાડિયામાં પરત અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળી હતી.
આદિવાસી જિલ્લાઓમાં રૂ.૧૦૫ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો
આદિવાસી જિલ્લાઓમાં આ કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરી અંગે પૂછાયેલા પ્રશ્નો જવાબ આપતા પ્રધાન સંઘવીએ કહ્યું કે, મોટા શહેરોથી લઇને નગરો અને આદિજાતિ વિસ્તારમાંના છેવાડાના ગામડા સુધી આવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જીલ્લાઓમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત ૨૩૧૫ નાગરિકોને રૂ.૧૦૫ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, છેવાડે આવેલા સોનગઢના એક વૃધ્ધાનું ઘર જે વ્યાજખોરે પચાવી પાડ્યું હતું તે પણ આ કાર્યક્રમ હેઠળ પરત અપાવવામાં આવ્યું હતું.