Gujarat માં ભારે વરસાદના પગલે શાકભાજીની આવક ઘટી, ભાવ આસમાને પહોંચ્યા
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)એક અઠવાડિયાથી અવિરત વરસાદ પડતાં ખુલ્લા ખેતરોમાં પાણી ભરાયા છે. તેમજ બજારમાં શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે. જેના લીધે શહેરોમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જેમાં બજારમાં લીલી મેથી અને કોથમીરના ભાવ આસમાને પહોંચી ગયા છે. જ્યારે બટાટા, ટામેટા અને મરચાના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે.
ગ્રામ્ય વિસ્તારમાંથી શાકભાજીની આવક બંધ થઈ
અમદાવાદના કાલુપુર શાકમાર્કેટના વેપારીના જાણવ્યા મુજબ માર્કેટમાં વસ્તુઓનો ભાવ એકાએક ઊંચકાયો છે અને માલની આવકમાં ઘટાડો થયો છે. બજારમાં નજીકના ગ્રામ્ય વિસ્તાર જેમ કે, દહેગામ, ખેડા, નડિયાદ, દસકોઈ જેવા વિસ્તારમાંથી શાકભાજીની આવક થતી હોય છે પરંતુ, ખેડા અને આસપાસના તમામ જિલ્લાઓમાં વરસાદે તારાજી સર્જી હોવાના કારણે રોડ-રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને વાહન વ્યવહાર પણ ખોવાયો છે.
શાકભાજીના ભાવમાં 20 રૂપિયા સુધીનો વધારો
છેલ્લા 10 દિવસની અંદર દરેક શાકભાજીના ભાવમાં કિલોએ 20 રૂપિયા સુધીનો વધારો થયો છે જ્યારે ડુંગળીનો માલ સૌથી વધુ મહારાષ્ટ્રના નાસિકમાંથી આવતો હોય છે પરંતુ, હાલમાં ત્યાં પણ ખૂબ જ વધુ વરસાદ હોવાને કારણે ડુંગળીની આવક ઘટી છે. જેથી એક અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં હોલસેલ માર્કેટમાં 15 રૂપિયાનો વધારો થયો છે.
ભાવમાં વધારો થવાને કારણે ઘરાકીમાં ઘટાડો
શાકભાજી બજારના વેપારીના જણાવ્યા મુજબ ભાવમાં મોટો વધારો થવાને કારણે ઘરાકીમાં ઘટાડો થયો છે. સાતમ પહેલા શાકભાજીની આવકો સારી હતી પરંતુ વરસાદ પડ્યા બાદ આવક ઘટવાને કારણે ઊંચા ભાવે વસ્તુઓ લાવવી પડતી હોવાથી ભાવો વધ્યા છે.