અમારે ફક્ત ઘરે જવું છે! વાપી રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ, દુર્ઘટના ટાળવા પોલીસ તૈનાત…
વાપી: દિવાળી અને છઠ પૂજાના તહેવાર પરિવાર સાથે ઉજવવા વતન તરફ જવા લોકો રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર ઉમટી રહ્યા છે. આ દરમિયાન ઘણા રેલવે સ્ટેશનો નાસભાગની ઘટનાઓ પણ બની છે. ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી રેલ્વે સ્ટેશન (Vapi Railway station) પર પણ કંઇક આવી જ ભીડ જોવા મળી હતી. બાંદ્રા-પટના ટ્રેન આવે તે પહેલા જ પ્લેટફોર્મ નંબર ત્રણ સંપૂર્ણપણે લોકોથી ભરાઈ ગયું હતું અને પગ મુકવા માટે પણ જગ્યા બચી ન હતી.
આ પણ વાંચો : એસટીને દિવાળી ફળીઃ બે અઠવાડિયામાં એડવાન્સ બુકિંગથી કરી 28.33 કરોડની આવક
સોમવારે બાંદ્રા-પટના ટ્રેનમાં ચડવા માટે લોકોમાં ધક્કામુકી થઇ હતી, દરેક વ્યક્તિ ટ્રેનમાં ચઢવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. આ ટ્રેન યુપી અને બિહારના મોટા સ્ટેશનો પર રોકાય છે. જેના કારણે આ ટ્રેનમાં વધુ ભીડ રહે છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.
વાપી રેલવે સ્ટેશન પર મુંબઈ જેવી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જીઆરપી પોલીસ અને આરપીએફના જવાનો સંપૂર્ણ સતર્ક છે. પોલીસકર્મીઓએ મુસાફરોને ટ્રેનમાં ચઢવા મદદ કરી રહ્યા હતા.
વલસાડ જિલ્લાના વાપી અને તેની આસપાસના દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં આવેલી કંપનીઓમાં હજારોની સંખ્યામાં પ્રવાસી કામદારો કામ કરે છે. ખાસ કરીને ઉત્તર ભારતીયોની સંખ્યા વધુ છે.
બિહારના પટના જંક્શન પર પટનાથી સહરસા જતી રાજ્ય રાની એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોની એટલી ભીડ હતી કે લોકો ઈમરજન્સી વિન્ડોમાંથી અંદર ઘુસતા દેખાયા હતા. ટ્રેન સહરસાથી પટના પહોંચી જ હતી જ્યારે સીટ મેળવવા માટે લડાઈ શરૂ થઈ.
આ પણ વાંચો : ચેતતું તંત્ર સદા સુખીઃ અમદાવાદના ત્રણ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ બંધ
આવી હાલાકી છતાં ટ્રેનમાં ઘરે જતા લોકોએ કહ્યું કે આ એક મોટો તહેવાર છે, કોઈ પણ સંજોગોમાં ઘરે જવું પડશે, ગેટ પર ખૂબ ભીડ છે, તેથી બારીમાંથી જવું પડે છે.