Valsad અને નવસારીમાં ભારે વરસાદથી હાલાકી, સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચના આપી

ગાંધીનગરઃ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યા છે. ત્યારે દક્ષિણની મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. જેના કારણે નવસારી અને વલસાડના(Valsad) નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાવવાને કારણે તંત્ર દ્વારા અનેક લોકોને સલામત સ્થળે લઇ જવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થીતીની માહિતી મેળવી છે. આ સાથે તેમણે વલસાડ અને નવસારીના કલેક્ટરને સૂચનાઓ પણ આપી છે.
તંત્ર પણ એલર્ટ બન્યું છે
નવસારી જિલ્લા અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદના કારણે જિલ્લાની લોકમાતા પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેના પગલે કાંઠા અને નીચાણવાળા સ્થળો પર પૂરના પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાના 64 માર્ગો પૂરના પાણી ફરી વળતા બંધ થયા છે. સેંકડો લોકોનું સલામત સ્થળ પર સ્થળાંતર કરાયું છે. આ પરિસ્થિતિ વિકટ બનતા તંત્ર પણ એલર્ટ બન્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં વાનરોનો ત્રાસ યથાવત, ખેડાના ગામમાં 20 જણને લોહીલુહાણ કર્યા
વલસાડ અને નવસારીના કલેક્ટરને સૂચનાઓ આપી હતી.
આજે સવારે ગુજરાતનાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવસારી અને વલસાડના કલેક્ટર પાસેથી ફોન પર ત્યાંની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. આ સાથે મુખ્યપ્રધાનએ જિલ્લાના ગામોમાં નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા તેમજ વરસાદને કારણે ઉભી થયેલી પુરની સ્થિતીમાં જાનમાલનું નુક્શાન ન થાય તેવી સતર્ક્તા અને તકેદારી સાથે યોગ્ય પ્રબંધન માટે પણ વલસાડ અને નવસારીના કલેક્ટરને સૂચનાઓ આપી હતી.
ખેરગામ તાલુકામાં નવ ઇંચ વરસાદ ખાબક્યો
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં નવ ઇંચ જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ તાલુકામાં સાત-સાત ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ડાંગ જિલ્લાના ડાંગ-આહવા તાલુકા, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા અને નવસારી જિલ્લાના ચિખલી અને વાંસદા મળીને કુલ ચાર તાલુકામાં છ-છ ઇંચ વરસાદ વરસ્યો છે.