Vadodara શહેરમાં પાણી ઓસરતા લોકોને રાહત, 10 બ્રિજને વાહન વ્યવહાર માટે ખોલી દેવાયા

અમદાવાદ: વડોદરા(Vadodara) શહેરમાં પૂરની પરિસ્થિતિને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. જોકે, હવે વિશ્વામિત્રી નદીની સપાટી સતત ઘટી રહી છે. જેને કારણે જનજીવન હવે ધીમે ધીમે સામાન્ય બની રહ્યું છે. શહેરમાં પૂરના પાણી હવે ઓસરવાના શરૂ થયા છે. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને પગલે વડોદરાના તમામ 10 બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. જોકે, હવે વિશ્વામિત્રી નદીના પાણી ઘટી જતા તમામ 10 બ્રિજને વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યા છે.
આજે સિટી બેસ સેવા બંધ રહેશે
વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને પગલે વીજળીની સમસ્યા, બસોના મેન્ટેનન્સના કારણે આજે સિટી બસ સેવા આજ સાંજ સુધી બંધ રહેશે. વડોદરા શહેરમાં અવરજવર માટે તમે ઓટોરિક્ષાનો ઉપયોગ કરી શકશો. આજે સાંજ સુધીમાં તમામ બસો સેન્ટ્રલ બસ તરફથી શરૂ કરી દેવામાં આવશે. પરંતુ હાલમાં વિવિધ વિસ્તારોમાંથી આવતી બસ સેવા શરૂ છે. આજે સાંજ સુધીમાં બધો સ્ટાફ આવી જશે, ત્યારે સંપૂર્ણ બસ સેવા શરૂ કરવામાં આવશે.
સરકારી હોસ્પિટલમાં ઓપીડી ચાલુ
વડોદરામાં પૂર દરમિયાન સયાજી હોસ્પિટલમાં પાણી ઘૂસ્યા હતા, જોકે આજે સયાજી હોસ્પિટલની ઓપીડી દર્દીઓ માટે ચાલુ કરી દેવામાં આવી છે. ઓપીડીના તમામ વિભાગમાં તમને સારવાર મળી જશે.
આજે સાંજ સુધીમાં તમામ બસ સેવા શરૂ કરાશે
વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન દ્વારા બસ સેવા શરૂ કરાઇ છે, પરંતુ વીજ પુરવઠો હજુ કાર્યરત ન હોવાથી 50 ટકાથી વધુ બસ શરૂ કરવામાં આવી નથી. આજે સાંજ સુધીમાં તમામ બસો સેન્ટ્રલ બસ તરફથી શરૂ કરી દેવામાં આવશે. પરંતુ હાલમાં વિવિધ વિસ્તારોમાંથી આવતી બસ સેવા શરૂ છે. આજે સાંજ સુધીમાં બધો સ્ટાફ આવી જશે, ત્યારે સંપૂર્ણ બસ સેવા શરૂ કરવામાં આવશે.
વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદને કારણે અનેક ટ્રેનો રદ
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેમાં આજે 30મી ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર અને 30મી ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરાની સ્થિતિનો તાગ મેળવ્યો
જ્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરાની સ્થિતિનો તાગ મેળવ્યા બાદ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ધીમે ધીમે પૂરના પાણી ઓસરી રહ્યા છે અને રાજ્ય સરકારનું સંપૂર્ણ લક્ષ રાહત અને બચાવની કામગીરી ઉપર છે. વડોદરા શહેરમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા આર્મીની ત્રણ, એન. ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ ની સાત ટીમો કાર્યરત છે. આ ઉપરાંત અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાંથી ફાયરની નવ ટીમો વડોદરા મોકલવામાં આવી છે.