Vadodara માં મહાકાય મગરે મહિલાનો શિકાર કર્યો, લોકોમા ભયનો માહોલ…
વડોદરાઃ વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વર્ષોથી મગર વસવાટ કરે છે. જે વરસાદની સીઝનમાં બહાર આવતા હોય છે.અને શિકાર પણ કરે છે ત્યારે વિશ્વામિત્ર બ્રિજ પાસે આજે વહેલી સવારે એક મગર મહિલાનું મૃતદેહ મોઢામાં લઈને નજરે પડતા લોકોના ટોળા જામ્યા હતા. ફાયર બ્રિગેડે મગરોને ભગાડી મૃતદેહ કબજે કર્યો હતો.
વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરો મોટી સંખ્યામાં હોય છે અને વહેલી સવારે ઠંડક હોય ત્યારે મગરો કિનારે પણ નજરે પડતા હોય છે.
ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી
જેથી મગરોને જોવા લોકો ઉમટતા હોય છે. આજે વહેલી સવારે કાલાઘોડા પાસે એક મહાકાય મગર કિનારે આધેડ વયની મહિલાના મૃતદેહને મોઢામાં લઈને નજરે પડતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા દાંડિયા બજારની ટીમ દોડી આવી હતી.
મગર મૃતદેહ છોડીને જતા રહ્યા હતા
ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે બીજા ત્રણથી ચાર મગરો પણ આજુબાજુમાં ફરતા નજરે પડ્યા હતા. જેથી તેમને મોટા વાસ પછાડીને મગરોને ભગાડ્યા હતા. મહાકાય મગર મહિલાનો મૃતદેહ લઈને નદીમાં ઉતરી જતા ફાયર બ્રિગેડે નદીમાંથી કોઈપણ વસ્તુ ખેંચી લાવતું એક પ્રકારનું સાધન નાંખતા મગર મૃતદેહ છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા મહિલા ક્યાંની હતી અને કેવી રીતે બનાવ બન્યો છે તે જાણવા માટે શહેર જિલ્લાના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.