Vadodara માં પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલમાં હત્યા

વડોદરા : વડોદરા(Vadodara) શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરવામાં આવી છે. પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં જ હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના પગલે રાત્રિના સમયે સયાજી હોસ્પિટલ પર લોકોના ટોળા એકઠા થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. શહેરના નાગરવાડા વિસ્તારમાં પણ સ્થિતિ વધુ બગડે નહીં તેના માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વડોદરામાં નાગરવાડા સરકારી સ્કૂલ નંબર 10 નજીક આમલેટની લારી પર પૈસાની ઉઘરાણી માટે ગયેલા બે યુવક પર લઘુમતી કોમના યુવકોએ હુમલો કરી ઘાયલ કર્યા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર અને તેમના પુત્ર તપન રમેશ પરમાર સહિત સ્થાનિક યુવકો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ હુમલાખોર બાબર પઠાણને જાપ્તા સાથે લઈને આવી હતી.
પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર પર હુમલો
ત્યારે પોલીસની હાજરીમાં બાબર પઠાણે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ભાજપના પૂર્વ મેયર પક્ષના નેતા તેમજ પૂર્વ કોર્પોરેટરો સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
બાબર પઠાણ માથાભારે વ્યક્તિ
ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, પોલીસની હાજરીમાં બાબર પઠાણને સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. આ દરમિયાન તેના હાથમાં હથિયાર કેવી રીતે આવ્યું તે તપાસનો વિષય છે. આ સમગ્ર ઘટનાની તપાસ કરી જવાબદાર ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગણી કરી હતી. બાબર પઠાણ માથાભારે વ્યક્તિ છે તેની સામે અનેક ગુનાઓ નોંધાયા છે અને પાસામાં પણ જઈ આવ્યો છે.’