PM મોદીથી પ્રેરાઈને CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અર્બન ફોરેસ્ટ અભિયાનના શ્રીગણેશ કર્યાં
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત દેશવ્યાપી મહાઅભિયાન ‘એક પેડ માં કે નામ’ને શહેરી વિસ્તારો સુધી પહોંચાડવાના અભિગમ અંતર્ગત તા. 31 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં અર્બન ફોરેસ્ટ ઉભા કરવાનું અભિયાન યોજાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના કોબા ખાતેથી વડના વૃક્ષ વાવીને કરાવ્યો હતો. ગાંધીનગરના કોબા ખાતે ૪૭૦૦થી વધુ ચો.મીટરના પ્લોટમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ થશે. જેમાં લીમડો, આંબો, આંબલી, બોરસલી, આમળા જેવા કુલ મળીને ૧૫૦૦ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. 5મી જૂન, 2024ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાનનું આહવાન કર્યું હતું. પર્યાવરણ બચાવવાના વડાપ્રધાનના અભિગમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગ્રામ્યની સાથે સાથે શહેરી વિસ્તાર સુધી લઇ જવા માટે સમગ્ર રાજ્યમાં આગામી તા. 31મી ઓગસ્ટ 2024 સુધી અર્બન ફોરેસ્ટ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો આરંભ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ કોબા ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : નીતિ આયોગની બેઠકને લઈને ભૂપેન્દ્ર પટેલને દિલ્હીની તેડું
અર્બન ફોરેસ્ટ અભિયાન અન્વયે રાજ્યના શહેરોમાં વન-વૃક્ષનો વિસ્તાર વધારવાના લક્ષ્યાંક સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, 157 નગરપાલિકાઓ અને તમામ 165 યુએલબીમાં ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત અર્બન ફોરેસ્ટ મહાઅભિયાન યોજવામાં આવ્યું છે. સરકારની સાથે સાથે પર્યાવરણના રક્ષણની વ્યક્તિગત જવાબદારી વિશે લોકોમાં વધુ જાગૃતિ લાવવા તમામ શહેરોમાં શહેરી વનીકરણ, મિયાવાકી વન અને ગ્રીન સ્પેસ સાથે સબંધિત અન્ય કાર્યક્રમો નાગરિકો, મહાનુભાવો તેમજ વિવિધ સંસ્થાઓની સહભાગીતા સાથે યોજાશે.
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોબાથી અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો હતો અને ઉપસ્થિત સર્વે મહાનુભાવોના હસ્તે એક-એક વૃક્ષ રોપવામાં આવ્યું હતું. કોબા ખાતે ૪૭૦૦થી વધુ ચો.મીટરના પ્લોટમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ થશે. જેમાં લીમડો, આંબો, આંબલી, બોરસલી, આમળા જેવા કુલ મળીને ૧૫૦૦ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવશે.