ગુજરાતમાં વધતી ગરમી વચ્ચે આજે આટલા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી…

અમદાવાદ : ગુજરાતના ત્રણ જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયો છે. જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં 32.4 ડિગ્રીથી લઈને 41.5 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. તેવા સમયે રાજયના હવામાન બદલાવની હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી મુજબ આજે 20 જિલ્લામાં કમોસમી વરસાદ પડશે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી
જેમાં સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 21 મે બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયુ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રવિવારે અમદાવાદમાં 39.5 ડિગ્રી, ગાંધીનગરમાં 38.7 ડિગ્રી, ડીસામાં 38.3 ડિગ્રી, વડોદરામાં 37.2 ડિગ્રી, ભુજમાં 37.9 ડિગ્રી, કંડલામાં 40.1 ડિગ્રી, ભાવનગરમાં 39 ડિગ્રી, રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે, આગામી દિવસોમાં હજુ તાપમાન વધવાની શકયતા છે.
ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે
હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં વહેલું પ્રવેશ કરે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસુ 15 જૂને ગુજરાતમાં પહોંચે છે. જોકે આ વર્ષે તે 4 દિવસ વહેલું 10 કે 11 જૂનની આસપાસ પહોંચશે. તેની અસર 12 જૂનની આસપાસ ગુજરાતમાં દેખાશે અને ખૂબ જ ટૂંક સમયમાં સમગ્ર રાજ્યને આવરી લેશે.
આપણ વાંચો : ગુજરાતમાં 16 આની ચોમાસું રહેવાની શક્યતા: 50 થી વધુ આગાહીકારનું તારણ…