પ્રધાનોએ માવઠાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધીઃ કેબિનેટમાં પેકેજ જાહેર થવાની શક્યતા…

ગાંધીનગરઃ રાજ્યમાં કમોસમી વરસાદના પગલે સરકાર સતર્ક બની હતી. રાજ્ય સરકારે પ્રધાનોને વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા સૂચના આપી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના પ્રધાનમંડળના કૌશિક વેકરિયા, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજાને અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેવા સૂચન કર્યું હતું. જે અંતર્ગત પ્રધાનોએ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. કૃષિ પ્રધાન જીતુ વાઘાણી સહિતના પ્રધાનો અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા અને માવઠાના કારણે પાકને નુકસાન થયાનો સ્વીકાર કર્યો હતો.
આવતીકાલે મળશે કેબિનેટ બેઠક
સૂત્રોએ જણાવ્યું કે, માવઠાથી થયેલાં નુકસાન અંગે રાજ્યના પાંચ પ્રધાનોએ જમીનસ્તરનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કર્યો હતો. આવતીકાલે યોજાનારી કેબિનેટ બેઠક બાદ આ રિપોર્ટની સમીક્ષા કરીને ખેડૂતો માટે સહાયની જાહેરાત થવાની શક્યતા છે. રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ખેડૂતો એકલા નથી, સરકાર તેમના સાથે છે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક જરૂરી પગલું ભરાશે.
કૃષિ પ્રધાન સહિતના પ્રધાનોએ લીધી માવઠાથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત
કેબિનેટ કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ ભાવનગર જિલ્લામાં પહોંચીને સિહોર પ્રાંત કચેરી ખાતે બેઠક યોજી હતી. બેઠકમાં સિહોર પંથકમાં પડેલા કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ અસરગ્રસ્ત કાજાવદર ગામની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી હતી. ઉપરાંત તળાજા અને મહુવા પંથકના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. તાપી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ વચ્ચે પ્રધાન નરેશ પટેલ અને જયરામ ગામીતે સોનગઢ તાલુકાના ટોકરવા ગામે ડાંગરના પાકમાં થેયલા નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ જિલ્લા સેવાસદન ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ સાવરકુંડલાના નુકસાનગ્રસ્ત ગામોની મુલાકાત બાદ રાજુલા માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યાં હતાં. અહીં તેઓએ ખેડૂતો, સહકારી અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી ગામડામાં થયેલ નુકસાની અંગે રજૂઆતો સાંભળી હતી. આ સમયે તેમની સાથે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા, સાંસદ ભરત સુતરિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અર્જુન મોઢવાડિયાએ ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી ઉભી થયેલી નુકસાનની પરિસ્થિતિ અંગે ખેતરમાં જઈ નિરીક્ષણ કર્યું હતું. તેમજ ઉભી થયેલ સ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. તેમજ ખેડૂતોની રજુઆતો સાંભળી અને ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર તરફથી સત્વરે નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
સર્વેનું નાટક બંધ કરી ચાલુ વર્ષેનું પાક ધિરાણ માફ કરોઃ પાલ આંબલિયા
ગુજરાતમાં કમોસમી વરસાદ મુદ્દે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, ચોમાસામાં હેલી થાય તેવો વરસાદ વરસી રહ્યો છે. ડાંગર, મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોમાં નુકસાન થયું છે. સરકારે જાહેરાતમાંથી બહાર નીકળી વાસ્તવમાં ખેડૂતને મદદ થાય તેવું કરવું જોઈએ. ગયા વર્ષે ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાયો હતો અને આ વર્ષે પણ ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાયો છે. સરકારે સર્વેનું નાટક બંધ કરી ચાલુ વર્ષેનું પાક ધિરાણ માફ કરી દેવું જોઈએ.



