નવા વર્ષના આરંભે જ સૌરાષ્ટ્રના ૭ અને દક્ષિણ-મધ્ય ગુજરાતના ૧૦ જિલ્લામાં માવઠું ત્રાટકશે! ખેડૂતોની ચિંતા વધી…

અમદાવાદઃ ગુજરાતમાં વિક્રમ સંવત ૨૦૮૨ના નવા વર્ષની શરૂઆત જ ખેડૂતોની ચિંતા વધારનારી રહી છે, કારણ કે બેસતા વર્ષની સાંજે જ દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી અઠવાડિયામાં પણ સૌરાષ્ટ્રના ૭ જિલ્લાઓ સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ માવઠું થવાની સંભાવના છે, જેના કારણે ખેતી પાકો પર જોખમ તોળાઈ રહ્યું છે. જોકે, રાજ્યમાં હાલ તાપમાનમાં મિશ્ર પરિસ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં દિવસનું મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રીની આસપાસ નોંધાયું હતું.
ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં જ માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી હતી. બેસતા વર્ષની સાંજે જ ગુજરાતના દક્ષિણ અને મધ્ય જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત, મધ્ય ભાગ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતના ગાળે હવામાનમાં મિશ્ર પરિસ્થિતિ જોવા મળી હતી, જેમાં દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ-દીવમાં હવામાન સૂકું રહ્યું હતું.
દિવસના તાપમાનમાં મોટો ફેરફાર નહોતો, જોકે દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું. રાત્રિના તાપમાનમાં પણ ખાસ ફેરફાર નહોતો, પરંતુ તળ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તે સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું. રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ વેરાવળ, સુરેન્દ્રનગર, રાજકોટ અને ડીસા ખાતે નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી સેલ્સિયસ નલિયા ખાતે નોંધાયું હતું.



