Gujarat Universityમાં ભણી શકાશે 7 વિદેશી ભાષાના કોર્સ, આગામી..

Gandhinagar: ગુજરાત ગ્લોબલ લેવલે ટ્રેડિંગ કરી રહ્યું છે. આ સાથે ઓલિમ્પિકનું પણ આયોજન ગુજરાતમાં કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે. એકબીજા દેશો સાથેના વ્યવહારોમાં ભાષા ઘણો મહત્વનો ભાગ ભજવે છે ત્યારે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ ગુજરાત યુનિવર્સિટીએ સાત વિદેશી ભાષા ગુજરાતીઓને શિખવાડવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષોથી સ્ટડી એબ્રોડ ડિપાર્ટમેન્ટ ચાલુ છે અને તેમાં અગાઉ ફોરેન લેંગવેજ કોર્સ ભણાવવામાં આવતો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફરીથી આ કોર્સ શરૂ કરવામાં આવનારો છે.
મળતી માહિતી અનુસાર ઓલિમ્પિકની ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે પ્રસ્તાવ મગાવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ પ્રસ્તાવ તૈયાર કરીને સરાકરને મોકલ્યો હતો, જે મંજૂર થયો હોવાની માહિતી મળી છે. જેમાં ડિગ્રી અને ડિપ્લોમા લેવલના કોર્સ શરૂ થશે. એકસાથે 7 ભાષાના કોર્સ શરૂ કરનાર ગુજરાત યુનિવર્સિટી લગભગ દેશની પ્રથમ યુનિવર્સિટી હશે.
આ ડિપાર્ટમેન્ટમાં જાપાનીઝ, સ્પેનિસ, જર્મની, ફ્રેન્ચ, ચાઇનિઝ, એરેબિક અને રશિયન એમ સાત વિદેશી ભાષા વિદ્યાર્થીઓને શીખવવામાં આવશે. આ ડિપાર્ટમેન્ટ થકી ફોરેન લેંગવેજના પ્રોફેશનલ્સ તથા એક્સપર્ટ તૈયાર કરવામાં આવશે. જે આગામી 2036ના ઓલિમ્પિકમાં વિદેશી ખેલાડીઓ માટે પ્રોફેશનલ-એક્સપર્ટ તરીકેની ભૂમિકા નિભાવી શકશે.