ગુજરાતમાં કરમસદથી કેવડીયા સુધીની યુનિટી પદયાત્રાનો પીએમ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રારંભ…

ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સાહા પદયાત્રામાં જોડાયા
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સાહા પદયાત્રામાં જોડાઈને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સરદાર સાહેબ કહેતા કે દેશ માટે કામ કરવા જેવો બીજો કોઇ આનંદ ન હોઇ શકે. તેમજ આ કાર્યક્રમના પ્રારંભ પૂર્વે વીવીઆઈપી મહેમાનોએ કરમસદ સ્થિત સરદાર પટેલના પૈતૃક ઘરની મુલાકાત લીધી હતી.
જે બાદ મહેમાનો આણંદ નજીક વિધાનગર ખાતેના શાસ્ત્રી મેદાનમાં જનસભામાં પહોંચ્યા હતા. અહીંથી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પીએમ મોદીએ વર્ચુઅલ્લી રાષ્ટ્રીય એકતા યાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાવ્યુ હતું. આ યાત્રા કુલ 152 કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે સંપન્ન થશે.
સરદાર સાહેબના યોગદાનને જન-જન સુધી પહોંચાડવાનો પ્રયાસ
સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના મહાન શિલ્પી સરદાર પટેલની 150મી જન્મજયંતિના અવસરે તેમને યાદ કરીને એકતાનો સંદેશ ફેલાવવા માટે આ રાષ્ટ્રીય એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા રાષ્ટ્રીય ભાવના અને એકતાના પ્રતીક રૂપે ઊભરી આવશે. કરમસદથી કેવડિયા સુધીની આ યાત્રા દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને જન-જન સુધી પહોંચાડવાનો પ્રયાસ છે.



