Gujarat: રાજ્યમાં છે આટલા શિક્ષિત બેરોજગાર, સરકારે આપી માહિતી
ગાંધીનગરઃ ગુજરાત વિકાસશીલ રાજ્ય છે અને અહીં મોટા પ્રમાણમાં ઉદ્યોગ-ધંધા વિકસ્યા છે. વળી ગુજરાતી પ્રજા પોતે પણ ધંધાદારી પ્રજા માનવામાં આવે છે. તેમ છતાં અહીં પણ બેરોજગારીની સમસ્યા તો છે જ. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડા અનુસાર ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા 2,38,978 નોંધાઈ છે. આ આંકડો સરકારી ચોપડે નોંધાયેલો છે. આ સાથે અર્ધશિક્ષિત બેરોજગાર (unemployment)ની સંખ્યા 10,575 નોંધાઈ છે. આજે વિધાનસભામાં શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી બળવંતસિંહ રાજપૂત (Balvantsinh Rajput)નો જવાબ આપતા માહિતી આપી છે.
રાજ્યમાં બેરોજગારી અંગે કોંગ્રેસ (Congress) પક્ષના ઉપનેતા શૈલેષ પરમારના પ્રશ્ન પર ગૃહમાં સરકાર દ્વારા જવાબ રજુ કરવામાં આવ્યો છે. જેમાં બળવંત સિંહ જણાવ્યું કે દેશમાં અને રાજ્યમાં બેરોજગારીનો દર ઘટ્યો છે. કેન્દ્રનો બેરોજગારી દર 4.3 ટકાથી 3.7 ટકા થયો જ્યારે ગુજરાતનો બેરોજગારી દર 2.2 ટકાથી ઘટી 1.7 થયો છે.
આ સાથે જુનાગઢ (Junagadh) જિલ્લામાં નોંધાયેલા રોજગાર વાંચ્છુકોઓના અન્ય એક પ્રશ્નના જવાબમાં બળવંતસિંહ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લામાં રોજગાર કચેરી ખાતે 11,701 રોજગાર વાંચ્છુકોની નોંધણી કરાઈ છે. છેલ્લા એક વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં 2,506 લોકોને રોજગારી આપવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લાં બે વર્ષમાં રોજગાર કચેરી દ્વારા કચ્છ જિલ્લામાં 46,829 તથા રાજકોટ જિલ્લામાં 43,649 બેરોજગારોને રોજગારી મળી છે.
ગુજરાતના યુવાનોને રોજગારીની તકો આપવા તેમજ નોકરી આપનારાઓને તેમની જરૂરિયાત મુજબના કમર્ચારી ઓનલાઇન વ્યવસ્થાથી પૂરી પાડવાના ઈરાદાથી રાજ્ય સરકારે અનુબંધમ પોર્ટલ દ્વારા મોબાઈલ એપ વિકસાવી છે. આ વેબ પોર્ટલ નોકરી દાતાઓ અને રોજગાર વાંચ્છુકો વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે