આપણું ગુજરાત
નદીના ચેકડેમમાંથી ભેંસો કાઢવા જતાં ડૂબી જવાથી બેના મોત
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભાદર નદીના ચેકડેમમાં ભેંસો કાઢવા જતા ડૂબી જવાથી બે લોકોના મોત નીપજ્યા હતાં. એક જ પરિવારના બે સભ્યોના મોતથી માતમ છવાઈ ગયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉપલેટામાં રબારી યુવક પરેશ ભારાઈ (ઉ.વ.17) અને તેના મોટા બાપુજી ભૂપત ભારાઈ (ઉ.વ.51) ભૂતડા દાદાના મંદિર નજીક આવેલા ભાદર નદીના ચેક ડેમમાં ભેંસોને કાઢવા ગયા હતા.
આ દરમિયાન પરેશ ઊંડા પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા માટે ભૂપતભાઈ પણ ચેકડેમમાં કૂદયા હતા. જો કે થોડીવારમાં બન્ને જણાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બન્નેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બન્નેના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. બન્નેના મૃતદેહને ઉપલેટાની સરકારી કોટેજ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.